News of Monday, 2nd February 2026
બલુચિસ્તાન સળગ્યું: ઠેર-ઠેર લાશોના ઢગલા, ઈન્ટરનેટ ઠપ અને પાક સેના લાચાર: મચ અને બોલાન વિસ્તારોમાં વિદ્રોહીઓએ સેનાની ચેકપોસ્ટો અને કાફલાઓને નિશાન બનાવ્યા: અનેક પાકિસ્તાની સૈનિકોના મોત; રસ્તાઓ પર સૈનિકોની લાશોના ઢગલા

બલુચિસ્તાન: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર વિદ્રોહની આગ ભભૂકી ઉઠી છે. બલુચ લિબરેશન આર્મી (બીએલએ) અને અન્ય વિદ્રોહી જૂથો દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલાઓમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
અહેવાલો મુજબ, બલુચિસ્તાનના મચ અને બોલાન જેવા વિસ્તારોમાં વિદ્રોહીઓએ સેનાની ચેકપોસ્ટો અને કાફલાઓને નિશાન બનાવ્યા હતા, જેમાં ડઝનેક સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રસ્તાઓ પર સૈનિકોની લાશોના ઢગલા જોવા મળ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાવલપિંડી સ્થિત સેનાના મુખ્યાલયમાં સોપો પડી ગયો છે.
સ્થિતિને કાબૂમાં લેવા અને સમાચારને દબાવવા માટે પાકિસ્તાન સરકારે તાત્કાલિક અસરથી બલુચિસ્તાનના મોટાભાગના વિસ્તારોમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ કરી દીધી છે. જોકે, સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે વિદ્રોહીઓએ "ઓપરેશન દરા-એ-બોલાન" જેવી વ્યૂહરચના અપનાવીને પાક સેનાને પીછેહઠ કરવા મજબૂર કરી છે.
એક જ દિવસમાં થયેલા આ મોટા હુમલાઓને કારણે પાકિસ્તાન સરકાર અને સેનાધ્યક્ષ અસીમ મુનીરની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ ઘટના બાદ ઈસ્લામાબાદમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક બોલાવવામાં આવી છે, પરંતુ જમીની હકીકત એ છે કે બલુચિસ્તાન પરનો સેનાનો કાબૂ નબળો પડી રહ્યો છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
