ગાયની પૂજા કરે તે જ સાચો હિન્દુ છે,ગાયને રાષ્ટ્રીય દરજ્જો આપવો એ સમયની માંગ : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી
દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી રાજકોટમાં :અમરેલીમાં કેન્સર હોસ્પિટલના ખાતમુહૂર્તમાં હાજરી આપી:તેમણે ગાયને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની પ્રબળ માંગ કરી

દ્વારકા શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ રાજકોટની મુલાકાતે પધાર્યા હતા, જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટથી તેઓ અમરેલી ગામે જવા રવાના થયા હતા, જ્યાં તેમણે એક વિશાળ કેન્સર હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ આપી હતી. આ પ્રસંગે તેમણે માનવ સેવા અને આરોગ્ય ક્ષેત્રે થતા કાર્યોને આશીર્વાદ પાઠવ્યા હતા.
અમરેલીના કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ ગાયના સંરક્ષણ અને સન્માન અંગે અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, હિંદુ હોવાનું પહેલું લક્ષ્મણ ગાય માતાની પૂજા છે. જે ગાયની પૂજા કરે તે હિંદુ છે. ગાયને સમગ્ર રાષ્ટ્રની માતા જાહેર કરવી જોઈએ. આ માંગણી લાંબા સમયથી સનાતન ધર્મના અનુયાયીઓ કરી રહ્યા છે અને શંકરાચાર્યજીએ તેને વેગ આપ્યો છે.
શંકરાચાર્યજીની આ મુલાકાતથી સૌરાષ્ટ્રના ધાર્મિક વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટમાં તેમના રોકાણ દરમિયાન અનેક મહાનુભાવોએ તેમના આશીર્વાદ લીધા હતા. તેમણે અંતમાં જણાવ્યું કે જ્યાં સુધી ગાય સુરક્ષિત નથી ત્યાં સુધી રાષ્ટ્રની સંસ્કૃતિ સુરક્ષિત નથી. ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળવાથી ગૌહત્યા જેવી બદીઓ અટકશે અને દેશમાં નવી સામાજિક ચેતનાનો ઉદય થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
