બજેટ ૨૦૨૬: સ્કૂલોમાં બનશે ‘કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ’, 20 લાખ યુવાનોને મળશે હાઈ-ટેક નોકરીઓ
મોદી સરકારનો ડિજિટલ યુગમાં મોટો ધડાકો: સોશિયલ મીડિયા હવે મનોરંજન નહીં પણ ઉદ્યોગ; 15,000 સ્કૂલો અને 500 કોલેજોમાં એનિમેશન-ગેમિંગ શીખવવા ખુલશે આધુનિક લેબ્સ, પૂર્વી ભારતમાં નવી NID ની સ્થાપના અને મુંબઈની IICT ના સહયોગથી ભારત બનશે વિશ્વનું ‘ક્રિએટિવ હબ’

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા બજેટ ૨૦૨૬માં ભારતના સોશિયલ મીડિયા સ્ટાર્સ અને ડિજિટલ સર્જકો માટે રેડ કાર્પેટ બિછાવી દીધી છે. સરકારે સ્વીકાર્યું છે કે સોશિયલ મીડિયા એ માત્ર ટાઈમપાસ નથી, પરંતુ અબજો રૂપિયાનો ઉદ્યોગ છે. આ ક્ષેત્રમાં ભારતને ગ્લોબલ લીડર બનાવવા માટે દેશભરની ૧૫,૦૦૦ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 'કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ' સ્થાપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનની સાથે સાથે વીડિયો એડિટિંગ, પોડકાસ્ટિંગ અને ડિજિટલ માર્કેટિંગના પાઠ પણ શાળાના વર્ગખંડમાં જ ભણશે.
ભારતનું એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ગેમિંગ (AVGC) સેક્ટર પવનવેગે આગળ વધી રહ્યું છે. નાણામંત્રીના જણાવ્યા મુજબ, ૨૦૩૦ સુધીમાં આ ક્ષેત્રમાં ૨૦ લાખ કુશળ પ્રોફેશનલ્સની જરૂરિયાત ઊભી થશે. આ માંગને પૂરી કરવા માટે સરકાર ૧૦ લાખ ગેમિંગ એક્સપર્ટ્સની ભરતી કરવાની તૈયારી કરી રહી છે. મુંબઈ સ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી' (IICT) ના સીધા માર્ગદર્શન હેઠળ આ આખું માળખું ઊભું કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓને માત્ર કન્ટેન્ટ બનાવતા જ નહીં પણ કોપીરાઈટ કાયદા અને મોનેટાઈઝેશન (કમાણી) ની બારીકીઓ પણ શીખવશે.
ડિઝાઇનિંગ ક્ષેત્રે ભારતની શક્તિ વધારવા માટે સરકારે વધુ એક 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન' (NID) સ્થાપવાની દરખાસ્ત મૂકી છે. આ પગલું દેશમાં કુશળ ડિઝાઇનરોની અછત દૂર કરશે અને 'મેક ઇન ઇન્ડિયા' ના ઉત્પાદનોને વૈશ્વિક કક્ષાનું લુક એન્ડ ફીલ આપશે. શાળાઓ ઉપરાંત ૫૦૦ ટોચની કોલેજોમાં પણ આ લેબ્સ બનશે, જ્યાં યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા એનાલિટિક્સ જેવા આધુનિક સાધનોની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. આનાથી ડિગ્રીની સાથે સાથે યુવાનો પાસે બજારમાં તરત નોકરી અપાવે તેવા કૌશલ્યો પણ હશે.
આ પહેલથી ભારત વિશ્વનું સૌથી મોટું 'કન્ટેન્ટ ફેક્ટરી' બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ અને ડિજિટલ એડવર્ટાઇઝિંગમાં રોકાણ કરીને સરકાર ગ્રામીણ અને શહેરી યુવાનો માટે ઘરે બેઠા કમાણી કરવાના દ્વાર ખોલી રહી છે. પહેલીવાર બજેટમાં 'કોમિક બુક્સ' અને 'કન્ટેન્ટ ક્રિએશન' જેવા વિષયોને અર્થતંત્રના મુખ્ય ભાગ તરીકે સ્થાન મળ્યું છે, જે બદલાતા ભારતની આધુનિક સોચનું પ્રતીક છે. હવે ભારતીય યુવાનોની સર્જનાત્મકતા દુનિયાના ખૂણે-ખૂણે ધૂમ મચાવશે અને વિદેશી કંપનીઓ ભારતીય ટેલેન્ટ માટે પડાપડી કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
