News of Sunday, 1st February 2026
બજેટ ૨૦૨૬: ‘બાયોફાર્મા શક્તિ’ થી કેન્સર-ડાયાબિટીસનો આવશે અંત, નાણામંત્રીએ આરોગ્ય માટે ખોલી તિજોરી
ભારત બનશે દુનિયાનું મેડિકલ હબ: ₹૧૦,૦૦૦ કરોડના બજેટ સાથે જીવલેણ રોગો સામે લડવા રચાશે નવી વ્યૂહરચના; ૩ નવી રાષ્ટ્રીય સંસ્થાઓ અને ૩ નવા ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ની જાહેરાત, ૧.૫૦ લાખ હેલ્થકેર વર્કર્સને અપાશે હાઈ-ટેક ટ્રેનિંગ

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના ૯મા બજેટ ભાષણમાં દેશના આરોગ્ય ક્ષેત્રનો નકશો બદલી નાખતી 'બાયોફાર્મા શક્તિ' યોજનાની જાહેરાત કરી છે. આગામી ૫ વર્ષ માટે ₹૧૦,૦૦૦ કરોડના તોતિંગ ફંડ સાથે શરૂ થનારી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર, ડાયાબિટીસ અને ઓટોઈમ્યુન જેવા ગંભીર રોગો માટે સસ્તી દવાઓ અને અત્યાધુનિક સારવાર ભારતમાં જ વિકસાવવાનો છે. આ ઐતિહાસિક પગલાથી ભારત હવે માત્ર દવાઓ બનાવશે જ નહીં, પણ સંશોધન (R&D) ક્ષેત્રે પણ વિશ્વનું નેતૃત્વ કરશે.
આરોગ્ય સુવિધાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સરકારે દેશભરમાં ૩ નવી હાઈ-ટેક રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થાપવાની જાહેરાત કરી છે. આ સંસ્થાઓ ખાસ કરીને બાયોટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત, આયુર્વેદના જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડવા માટે ૩ નવા 'ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ' (AIIA) ખોલવામાં આવશે. આનાથી ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે અને નિકાસના દ્વાર ખુલશે.
નાણામંત્રીએ માનવ સંસાધન પર ભાર મૂકતા જણાવ્યું કે, દેશના ૧.૫૦ લાખ હેલ્થકેર વર્કર્સ અને કેર-ગિવર્સને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. આ તાલીમબદ્ધ ફોર્સ રેડિયોલોજી અને કેન્સર સંશોધન જેવા જટિલ ક્ષેત્રોમાં સચોટ સારવાર પૂરી પાડશે. આ સાથે જ 'મેડિકલ ટુરિઝમ' ને વેગ આપવા માટે ભારતને એક અદ્યતન હેલ્થકેર સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે, જેથી વિશ્વભરના દર્દીઓ શ્રેષ્ઠ અને સસ્તી સારવાર માટે ભારત તરફ આકર્ષાય.
આયુષ વિભાગને મજબૂત કરવાની સાથે આયુર્વેદિક દવાઓના નિકાસ માટે એક મજબૂત માળખું (Framework) તૈયાર કરવામાં આવ્યું છે. નાણામંત્રીની આ જાહેરાતોથી દેશમાં રોજગારીની નવી તકો તો ઊભી થશે જ, પણ સાથે સાથે સામાન્ય નાગરિકોને મોંઘી સારવારના બોજમાંથી મુક્તિ મળશે. ટૂંકમાં, બજેટ ૨૦૨૬ એ સાબિત કરી દીધું છે કે 'સ્વસ્થ ભારત' જ 'વિકસિત ભારત' નો પાયો છે. આ જાહેરાતો બાદ ફાર્મા સેક્ટરના શેરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
