<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

આજે બજેટના દિવસે સવારે ૯.૪૫ વાગ્યે બુલિયન માર્કેટમાં 'બ્લેક સન્ડે', સોના-ચાંદીમાં ફરી ઐતિહાસિક કડાકો: બંનેમાં લોઅર સર્કિટ લાગી

ચાંદી ૨૮,૦૦૦ રૂપિયા તૂટી: ભાવ ૨,૯૨,૦૦૦ થી ૨,૯૫,૦૦૦ રૂપિયા (પ્રતિ કિલો) * સોનું ૧૩,૫૦૦ રૂપિયા તૂટ્યું: ૧,૪૯,૦૦૦ થી ૧,૫૦,૫૦૦ રૂપિયા (પ્રતિ ૧૦ ગ્રામ)

અમદાવાદ/મુંબઈ: આજે રવિવારે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ નિમિત્તે એમસીએક્સ ખાસ ટ્રેડિંગ સેશન માટે ખુલતાની સાથે જ બુલિયન માર્કેટમાં હાહાકાર મચી ગયો છે. રોકાણકારો માટે આજની સવાર આઘાતજનક રહી હતી કારણ કે સોના અને ચાંદી બંનેમાં લોઅર સર્કિટ લાગી છે. ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવો ભાવ ઘટાડો આજે નોંધાયો છે.

 

આજના મુખ્ય અપડેટ્સ (સવારે ૯:૪૫ વાગ્યે): આજે સવારે બજાર ખુલતાની સાથે જ વેચવાલીનું ભયંકર દબાણ જોવા મળ્યું હતું. ચાંદીમાં તોતિંગ ગાબડું પડ્યું છે અને સોનું પણ કડડભૂસ થયું છે.

 

આજનો ઘટાડો (રૂપિયામાં) | (એમસીએક્સ પર) 

 

ચાંદી (સિલ્વર) | - ૨૮,૦૦૦ રૂપિયા: ૨,૯૨,૦૦૦ થી ૨,૯૫,૦૦૦ રૂપિયા (પ્રતિ કિલો) 

 

સોનું (ગોલ્ડ) | - ૧૩,૫૦૦ રૂપિયા: ૧,૪૯,૦૦૦ થી ૧,૫૦,૫૦૦ રૂપિયા (પ્રતિ ૧૦ ગ્રામ) 

 

(નોંધ: આ ભાવ સવારના સત્રના વોલેટિલિટી આધારિત છે અને તેમાં પળવારમાં ફેરફાર થઈ શકે છે.)

 

આજે ૧ ફેબ્રુઆરીએ નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોમોડિટી માર્કેટમાં લોહીયાળ ખેલ ખેલાયો છે. સવારે ટ્રેડિંગ શરૂ થતાંની થોડી જ મિનિટોમાં ચાંદીના ભાવમાં ૨૮,૦૦૦ રૂપિયાનો જંગી ઘટાડો નોંધાયો હતો, જેના કારણે ચાંદીમાં લોઅર સર્કિટ લાગી ગઈ હતી. તેવી જ રીતે સોનામાં પણ ૧૩,૫૦૦ રૂપિયા જેવો જંગી કડાકો બોલી ગયો છે.

 

કેમ તૂટ્યા ભાવ? બજારના જાણકારો અને અહેવાલો મુજબ આ કડાકા પાછળ નીચે મુજબના કારણો જવાબદાર હોઈ શકે છે:

 

૧. વૈશ્વિક પરિબળો: આંતરરાષ્ટ્રીય સ્તરે કોમેક્સ માં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે અમેરિકન માર્કેટમાં પણ ભારે વેચવાલી હતી જેની અસર આજે ભારતીય બજાર પર દેખાઈ રહી છે.

 

૨. પ્રોફિટ બુકિંગ: છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ લેવલે હતા, જેના કારણે રોકાણકારોએ ઉંચા મથાળે નફો બુક કરવા માટે પેનિક સેલિંગ (ગભરાટમાં વેચાણ) કર્યું છે.

 

૩. માર્જિન કોલ્સ: વૈશ્વિક એક્સચેન્જો દ્વારા માર્જિન વધારવામાં આવ્યા હોવાના અહેવાલો છે, જેના કારણે ટ્રેડરોએ પોતાની પોઝિશન કાપવી પડી રહી છે.

 

૪. બજેટની અપેક્ષા: બજેટમાં સોના-ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટીમાં ઘટાડો થવાની અટકળો પણ ભાવ તૂટવા પાછળનું એક કારણ માનવામાં આવે છે. જો ડ્યુટી ઘટે તો ઈમ્પોર્ટ સસ્તું થાય, જેની અસર સ્થાનિક ભાવ પર પડે છે.

 

રોકાણકારોમાં ફફડાટ: સોનાના ભાવ ૧.૬૦ લાખની સપાટીથી નીચે ગગડીને ૧.૪૯ લાખની આસપાસ અને ચાંદી ૩.૨૦ લાખથી તૂટીને ૨.૯૨ લાખની સપાટીએ પહોંચી જતા જ્વેલર્સ અને ટ્રેડરોમાં ભારે અફડાતફડી છે. જે લોકોએ ઊંચા ભાવે ખરીદી કરી હતી તેમના પોર્ટફોલિયોમાં મોટું નુકસાન દેખાઈ રહ્યું છે.

 

આગળ શું? માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે આજે આખો દિવસ વોલેટિલિટી (અત્યંત વધઘટ) રહેશે. જ્યાં સુધી બજેટમાં કોઈ સ્પષ્ટતા ન આવે અને અમેરિકન માર્કેટ સ્થિર ન થાય ત્યાં સુધી નાના રોકાણકારોએ બજારથી દૂર રહેવું હિતાવહ છે.

(10:59 AM IST)