News of Saturday, 31st January 2026
સંયુક્ત રાષ્ટ્રની આર્થિક સ્થિતિ ચિંતાજનક :પરિસ્થિતિ બદલાશે નહીં, તો વૈશ્વિક સંસ્થા નાણાકીય પતનની અણિએ પહોંચી શકે: ગુટેરેસની ચેતવણી
યુએનને દૈનંદિન ખર્ચ ચલાવવા મુશ્કેલ :અમેરિકા યુએનના કોર બજેટના 22 ટકા આપે છે:ચીનની યુએનના કોર બજેટમાં 20 ટકાની હિસ્સેદારી:અમેરિકા પર પહેલાના વર્ષોના લગભગ 1.4 અબજ ડોલર બાકી

સંયુક્ત રાષ્ટ્ર (UN) ની આર્થિક સ્થિતિને લઈને મોટી અને ચિંતાજનક ચેતવણી સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યુ છે કે જો પરિસ્થિતિ બદલાશે નહીં, તો વૈશ્વિક સંસ્થા જલ્દીથી નાણાંકીય પતનની અણિએ પહોંચી શકે છે. ગુટેરેસના જણાવ્યા પ્રમાણે, ઘણાં સદસ્ય દેશ પોતાના અનિવાર્ય યોગદાનની ચુકવણી સમયસર કરી રહ્યા નથી અને સંગઠનની જૂની નાણાંકીય સંરચના સંક્ટને વધારે ગાઢ બનાવી રહ્યા છે. તેના કારણે યુએન દૈનંદિન ખર્ચ ચલાવવા સુધીમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છેકે આ માત્ર અસ્થાયી મુશ્કેલી નથી, પરંતુ એક ગંભીર અને તાત્કાલિક ખતરો છે.
મીડિયા અહેવાલો મુજબ, ગુટેરેસે 193 સદસ્ય દેશોને એક પત્ર લખીને ચેતવણી આપી છે કે તમામ દેશ પોતાના બાકી રહેલા નાણાં ચુકવે અને સમય પર ચુકવે અથવા તો પછી યુએનન નાણાંકીય નિયમોમાં પાયાગત સુધારો કરવામાં આવે. મીડિયા અહેવાલો મુજબ, તેમણે ક્હ્યુ છે કે હાલ બજેટ નિયમોને કારણે સંસ્થાને બચત કરવા પર પણ સજા મળે છે. યુએનને ખર્ચ થયો ન હોય તેવી રકમ દર વર્ષે સદસ્ય દેશોને પાછી આપવી પડે છે, જેનાથી રોકડ જાળવી રાખવાનું મુશ્કેલ થઈ ગયું છે.
ગુટેરેસ પ્રમાણે, 2025ના આખર સુધીમાં યુએનની બાકીની રકમ રેકોર્ડ સ્તર પર પહોંચીને 1.57 અબજ ડોલર થઈ ચુકી છે. જો કે તેમણે કોઈ દેશનું નામ લીધું નથી. પરંતુ રિપોર્ટ્સમાં અમેરિકાની ભૂમિકા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ બાદ યુએનની નાણાંકીય સ્થિતિ વધુ બગડી છે. મીડિયા અહેવાલ મુજબ, અમેરિકાએ 2025માં યુએનના નિયમિત બજેટની કોઈ ચુકવણી કરી નથી અને શાંતિ મિશનો માટે માત્ર 30 ટકા ફંડ જ આપ્યું. એટલું જ નહીં, અમેરિકા ડબ્લ્યૂએચઓ સહીત ઘણી યુએન એજન્સીઓમાંથી બહાર પણ નીકળી ચુક્યું છે અને અન્ય સંસ્થાઓમાં પણ ઘટાડો કરાઈ રહ્યો છે.
હાલ અમેરિકા યુએનના કોર બજેટના 22 ટકા આપે છે. જ્યારે ચીનની હિસ્સેદારી 20 ટકા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, અમેરિકા પર પહેલાના વર્ષોના લગભગ 1.4 અબજ ડોલર બાકી બોલે છે. આ વર્ષ માટે 767 મિલિયન ડોલર અલગથી આપવાના છે. આ સ્થિતિની વચ્ચે યુએનએ 2026 માટે 3.45 અબજ ડોલરનું બજેટ મંજૂરી કર્યું છે, જે ગત વર્ષથી 7 ટકા ઓછું છે. તેમ છતાં ગુટેરેસે ચેતવણી આપી છે કે જો ચુકવણી નહીં થાય, તો જુલાઈ સુધીમાં યુએન કેશ રિઝર્વ સમાપ્ત થવાની સંભાવના છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
