<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

જેફરી એપસ્ટિન કેસના નવા દસ્તાવેજો જાહેર : ટ્રમ્પના મંત્રી હાવર્ડ લુટનિક અને પ્રિન્સ એન્ડ્રુના નામ ખુલ્યા

અમેરિકાના કોમર્સ સેક્રેટરી હાવર્ડ લુટનિક અને બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ વચ્ચેના ઈમેઈલ વ્યવહારનો પર્દાફાશ

કુખ્યાત જાતીય અપરાધી જેફરી એપસ્ટિન સાથે સંકળાયેલા હજારો દસ્તાવેજોનો નવો જથ્થો અમેરિકન ન્યાય વિભાગ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઘણા મોટા માથાઓના નામ સામે આવ્યા છે.

આ દસ્તાવેજોમાં અમેરિકાના કોમર્સ સેક્રેટરી (વાણિજ્ય મંત્રી) હાવર્ડ લુટનિક અને બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ વચ્ચેના ઈમેઈલ વ્યવહારનો પર્દાફાશ થયો છે.

દસ્તાવેજો મુજબ, ૨૦૧૨માં લુટનિકે પોતાના પરિવાર અને મિત્રો સાથે એપસ્ટિનના ખાનગી ટાપુ પર લંચ માટે જવાનું આયોજન કર્યું હતું. જોકે, લુટનિકે આ વાતનો ઇનકાર કરતા કહ્યું હતું કે તેમણે ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી.

બીજી તરફ, જેલમાંથી છૂટ્યાના થોડા સમય બાદ ૨૦૧૦માં એપસ્ટિન અને પ્રિન્સ એન્ડ્રુ વચ્ચે થયેલી વાતચીત પણ સામે આવી છે. જેમાં એપસ્ટિને પ્રિન્સ એન્ડ્રુને એક ૨૬ વર્ષીય રશિયન યુવતી સાથે મુલાકાત કરાવવાની ઓફર કરી હતી.

ઈમેઈલમાં પ્રિન્સ એન્ડ્રુ અને એપસ્ટિન વચ્ચે લંડનના બકિંગહામ પેલેસમાં ખાનગી મુલાકાત ગોઠવવાની ચર્ચાઓ પણ જોવા મળી છે. આ ઘટસ્ફોટ બાદ બ્રિટિશ રાજવી પરિવાર અને અમેરિકન રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે.

 ઉલ્લેખનીય છે કે પ્રિન્સ એન્ડ્રુ પર અગાઉ પણ ગંભીર આરોપો લાગી ચૂક્યા છે જેના કારણે તેમની પાસેથી શાહી ખિતાબો પરત લઈ લેવામાં આવ્યા હતા.

(8:11 PM IST)