News of Friday, 30th January 2026
અકોલામાં ભાજપનો ભગવો લહેરાયો: પવારની ‘NCP’ ના ટેકાથી શારદા ખેડકર બન્યા નવા મેયર
AIMIM તટસ્થ રહેતા કોંગ્રેસ લાલચોળ: ‘MIM એ ભાજપ જ છે’ તેવા આક્ષેપો સાથે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો

અકોલા, તા.૩૦: મહારાષ્ટ્રની ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગણિતો ગોઠવવાની શરૂઆત થઈ ગઈ છે. વિદર્ભના મહત્વના શહેર અકોલામાં ભાજપે મેયર પદની ચૂંટણી જીતીને બાજી મારી લીધી છે. ખાસ વાત એ છે કે, ભાજપ પાસે બહુમતીનો આંકડો ન હોવા છતાં શરદ પવાર અને અજિત પવાર બંનેની NCPએ ટેકો આપતા ભાજપના શારદા ખેડકર મેયર અને અમોલ ગોગે ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા છે.
અકોલા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ૮૦ બેઠકો માટે થયેલી ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. ભાજપ ૩૮ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ હતો, પરંતુ જાદુઈ આંકડો ૪૧ નો હતો. મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ૪૫ મતો મળ્યા હતા, જ્યારે વિપક્ષી ગઠબંધનના સુરેખા કાલેને ૩૨ મતોથી સંતોષ માનવો પડ્યો હતો.
પક્ષીય સ્થિતિ અને રાજકીય સમીકરણો
અકોલામાં સત્તાનું સુકાન સંભાળવા માટે પક્ષોની બેઠકોનું ગણિત કંઈક આ મુજબ હતું:
પક્ષ
બેઠકો
ભાજપ
૩૮
કોંગ્રેસ
૨૧
શિવસેના (UBT)
૦૬
વંચિત બહુજન આઘાડી
૦૫
AIMIM
૦૩
NCP (શરદ પવાર)
૦૩
અન્ય/અપક્ષ
૦૪
ચૂંટણી દરમિયાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ના ૩ કોર્પોરેટરો તટસ્થ રહ્યા હતા, જેનો સીધો ફાયદો ભાજપને થયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંધેએ પ્રહાર કરતા કહ્યું કે, "અકોલામાં સાબિત થઈ ગયું છે કે MIM એ ભાજપની જ ટીમ છે." અકોલા હવે રાજ્યની પહેલી એવી કોર્પોરેશન બની છે જ્યાં ચૂંટણી પછી મેયરની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય, જ્યારે અન્ય ૨૮ શહેરોમાં હજુ પણ સત્તા મેળવવા માટે ખેંચતાણ ચાલી રહી છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
