News of Friday, 30th January 2026
જર્મનીમાં ‘બ્લેક મનડે’: સોમવારે આખું દેશ પબ્લિક ટ્રાન્સપોર્ટ વગર થંભી જશે, લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાશે!
એક લાખથી વધુ કર્મચારીઓ હડતાળ પર: બસ, મેટ્રો અને લોકલ ટ્રેનોના પૈડાં થંભી જશે, યુનિયન વર્ડીએ આપ્યું આરપારની લડાઈનું એલાન

બર્લિન, તા.૩૦: જો તમે જર્મનીમાં છો અથવા ત્યાંના પ્રવાસે જવાનું વિચારી રહ્યા છો, તો આગામી સોમવાર તમારા માટે ભારે સાબિત થઈ શકે છે. જર્મનીના મુખ્ય જાહેર સેવા ટ્રેડ યુનિયન ‘વર્ડી’ (Verdi) એ સોમવારે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળને કારણે જર્મનીની બસ સેવા, કોમ્યુટર રેલ અને સ્થાનિક પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ‘સ્થગિત’ રહેવાની સંભાવના છે.
યુનિયન વર્ડીએ શુક્રવારે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, આ હડતાળને કારણે જાહેર પરિવહન વ્યવસ્થા ઠપ થઈ જશે. અંદાજે ૧,૦૦,૦૦૦ જેટલા કર્મચારીઓ કામ છોડીને વિરોધ પ્રદર્શનમાં જોડાશે તેવી અપેક્ષા છે. યુનિયનનો આરોપ છે કે મ્યુનિસિપલ અને રાજ્ય સ્તરના નોકરીદાતાઓ કર્મચારીઓની વાજબી માંગણીઓ સ્વીકારવામાં નિષ્ફળ રહ્યા છે.
કર્મચારીઓની માંગ શું છે?
જર્મનીમાં મોંઘવારી અને વધતા કામના ભારણ વચ્ચે કર્મચારીઓ નીચે મુજબની સુવિધાઓ માટે દબાણ કરી રહ્યા છે:
- કામના કલાકોમાં ઘટાડો અને લાંબા વિરામનો સમય.
- નાઈટ શિફ્ટ અને સપ્તાહના અંતે (વીકેન્ડ) કરવામાં આવતા કામ માટે વધારાનું ભથ્થું.
- ઘણા પ્રદેશોમાં પગાર વધારાને લઈને સામૂહિક સોદાબાજી પણ પેન્ડિંગ છે.
આ હડતાળની સૌથી મોટી અસર ઓફિસ જતા લોકો અને વિદ્યાર્થીઓ પર પડશે. યુનિયનના જણાવ્યા મુજબ, જ્યાં સુધી કામ કરવાની પરિસ્થિતિઓમાં સુધારો નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. જર્મનીના મોટા શહેરો જેવા કે બર્લિન, મ્યુનિક અને ફ્રેન્કફર્ટમાં પરિવહન વ્યવસ્થા ખોરવાતા અફરાતફરીનો માહોલ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
