News of Friday, 30th January 2026
હલ્દીરામ હવે અમેરિકન બ્રાન્ડની 'જીમી જોન્સ' સેન્ડવીચ વેચશે: ફૂડ માર્કેટમાં મોટી સ્પર્ધાની તૈયારી: નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ભારતનું ફૂડ સર્વિસ માર્કેટ નાણાકીય વર્ષ ૨૦૨૮ સુધીમાં ૭.૭૬ લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ

ભારતની દિગ્ગજ ફૂડ કંપની હલ્દીરામ હવે અમેરિકન કંપની 'ઈન્સ્પાયર બ્રાન્ડ્સ' સાથે મળીને ભારતમાં 'જીમી જોન્સ' સેન્ડવીચ લાવવાની તૈયારી કરી રહી છે.
ભારતીય નાસ્તા અને મીઠાઈ માટે પ્રખ્યાત 'હલ્દીરામ' હવે પશ્ચિમની કાફે સંસ્કૃતિમાં મોટું સાહસ કરવા જઈ રહ્યું છે. અહેવાલો મુજબ, હલ્દીરામ ગ્રુપ અમેરિકન રેસ્ટોરન્ટ કંપની 'ઈન્સ્પાયર બ્રાન્ડ્સ' સાથે ભાગીદારી કરી રહ્યું છે. આ ડીલ હેઠળ હલ્દીરામ ભારતમાં પ્રખ્યાત સેન્ડવીચ ચેઈન 'જીમી જોન્સ' લોન્ચ કરશે.
હલ્દીરામનો ઉદ્દેશ્ય સબવે અને ટીમ હોર્ટન્સ જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે સીધી સ્પર્ધા કરવાનો છે. કંપની ખાસ કરીને યુવા ગ્રાહકોને આકર્ષવા માંગે છે જેઓ પશ્ચિમી શૈલીના કાફે ફૂડને પસંદ કરે છે. હાલમાં હલ્દીરામનો રેસ્ટોરન્ટ બિઝનેસ આશરે ૩,૨૦૦ કરોડ રૂપિયાનો છે અને ભારતમાં ૧૫૦થી વધુ આઉટલેટ્સ ધરાવે છે.
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ભારતનું ફૂડ સર્વિસ માર્કેટ નાણાકીય વર્ષ ૨૦૨૮ સુધીમાં ૭.૭૬ લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. બદલાતી જીવનશૈલી અને બહાર ખાવાની વધતી આદતોને ધ્યાનમાં રાખીને હલ્દીરામ આ નવા સાહસમાં ઝુકાવી રહ્યું છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
