<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

માફિયા સામ્રાજ્યનો ખૌફનાક અંત: ચીને એક જ પરિવારના ૧૧ સભ્યોને આપી ફાંસી : ૨૭૦ ભારતીયો પણ બન્યા હતા શિકાર

હની ટ્રેપ, ક્રિપ્ટો લૂંટ અને લોહીની હોળી: મ્યાનમારની સરહદે ચાલતા 'ટોર્ચ સેન્ટર'નો પર્દાફાશ

બેઇજિંગ:  ચીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક દાખલો બેસાડતા મ્યાનમારના કુખ્યાત 'મિંગ' માફિયા પરિવારના ૧૧ સભ્યોને ફાંસીના માંચડે લટકાવી દીધા છે. આ પરિવાર માત્ર ગુનેગારોની ગેંગ નહોતી, પણ આધુનિક યુગના 'ગુલામી બજાર'ના સંચાલકો હતા. તેઓ સોશિયલ મીડિયા પર સુંદર યુવતીઓના નકલી પ્રોફાઈલ બનાવી લોકોને હની ટ્રેપમાં ફસાવતા, નગ્ન ફોટા અને વીડિયો મેળવી બ્લેકમેલ કરતા અને ત્યારબાદ તેમને નોકરીના બહાને મ્યાનમાર બોલાવી પાસપોર્ટ જપ્ત કરી લેતા હતા. પૂર્વી ચીનના વેન્ઝોઉ શહેરની અદાલતે આ નરપિશાચોને હત્યા, અપહરણ અને ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં મોતની સજા ફટકારી હતી, જેનો ગુરુવારે અમલ કરવામાં આવ્યો હતો.

આ માફિયા ગેંગનું નેટવર્ક એટલું ભયાનક હતું કે મ્યાનમારના લૌકાંગ વિસ્તારમાં તેમણે ખાસ 'ત્રાસ કેન્દ્રો'  બનાવ્યા હતા. જે લોકો તેમની વાત ન માને અથવા ઓનલાઈન કૌભાંડમાં મદદ ન કરે, તેમને લોખંડના સળિયાથી ડામ આપવામાં આવતા અને વીજળીના ઝટકા આપવામાં આવતા હતા. અહેવાલો મુજબ, આ જ જાળમાં ૨૭૦ થી વધુ ભારતીય યુવાનો પણ ફસાયા હતા, જેમને સાયબર ક્રાઇમ કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ ગેંગે ૧૪ ચીની નાગરિકોની નિર્મમ હત્યા કરી હતી અને સેંકડો લોકોને કાયમી અપંગ બનાવી દીધા હતા. ચીની પોલીસે મ્યાનમાર સરહદેથી આ ઓપરેશન ચલાવીને આખા પરિવારને દબોચી લીધો હતો.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ગેંગનો સૂત્રધાર ચેન ઝી લંડનના સૌથી પોશ વિસ્તાર એવન્યુ રોડ પર ₹૧.૨ અબજની આલીશાન હવેલીમાં વૈભવી જીવન જીવતો હતો. તેની પાસે લંડનમાં અનેક ઓફિસ બિલ્ડિંગો અને ડઝનબંધ ફ્લેટ્સ હતા, જે નિર્દોષ લોકોની ક્રિપ્ટોકરન્સી લૂંટીને ખરીદવામાં આવ્યા હતા. બ્રિટિશ સરકારે હવે આ તમામ 'ગંદા પૈસા' અને સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ ઘટનાએ સમગ્ર વિશ્વને ચેતવણી આપી છે કે 'વર્ક ફ્રોમ હોમ' કે 'ઓનલાઈન રોમાંસ'ના નામે ચાલતા આંતરરાષ્ટ્રીય રેકેટ કેટલા જીવલેણ હોઈ શકે છે.

(8:04 PM IST)