News of Thursday, 29th January 2026
ઈરાનના 'શાહી' ક્રાંતિકારી: ખામનેઈના પુત્ર પાસે વિદેશમાં અબજોની સંપત્તિ : લંડનથી દુબઈ સુધી ફેલાયેલું છે લક્ઝરી સામ્રાજ્ય
પવિત્રતાના મહોરા પાછળ છુપાયેલું અઢળક નાણું: બ્લૂમબર્ગના ખુલાસાથી ઈરાનમાં રોષ : તેલના પૈસે લંડનમાં બંગલા અને યુરોપમાં હોટલો ખરીદાઈ : પિતા અલી ખામેની પછી પુત્ર મોજતબા ગાદી સંભાળે તે પહેલા જ ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ

તેહરાન : ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની જે શાસનને 'ઇસ્લામિક પવિત્રતા' અને સાદગીનું પ્રતીક ગણાવે છે, તે જ શાસનના પાયા એક ભયાનક ખુલાસાથી હચમચી ગયા છે. બ્લૂમબર્ગની એક વર્ષ લાંબી તપાસમાં બહાર આવ્યું છે કે ખામેનીના પુત્ર અને સંભવિત ઉત્તરાધિકારી મોજતબા ખામેની વિદેશમાં અબજો રૂપિયાની મિલકતો ધરાવે છે. લંડનના પોશ વિસ્તારોમાં ₹૧૧૦૦ કરોડથી વધુના ફ્લેટ્સ, દુબઈના 'બેવર્લી હિલ્સ' ગણાતા વિસ્તારમાં આલીશાન વિલા અને જર્મનીથી લઈને ઓસ્ટ્રિયા સુધી ફેલાયેલી લક્ઝરી હોટલોના આ નેટવર્કે ઈરાની પ્રજાને સ્તબ્ધ કરી દીધી છે, જે અત્યારે ભારે ગરીબી અને પ્રતિબંધો સામે ઝઝૂમી રહી છે.
આ તપાસ મુજબ, મોજતબા ખામેનીએ અમેરિકી પ્રતિબંધોથી બચવા માટે ઉદ્યોગપતિ અલી અંસારી જેવા મધ્યસ્થીઓનો ઉપયોગ કરીને આ નાણાકીય સામ્રાજ્ય ઉભું કર્યું છે. દસ્તાવેજોમાં ક્યાંય સીધું નામ ન હોવા છતાં, મની ટ્રેલ સ્વિસ બેંકો અને યુરોપિયન રિયલ એસ્ટેટ માર્કેટમાં અબજો ડોલરના ટ્રાન્ઝેક્શન તરફ ઈશારો કરે છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ ભંડોળ કથિત રીતે ઈરાની તેલના ગુપ્ત વેચાણમાંથી મેળવવામાં આવ્યું છે. જ્યારે ઈરાનમાં સામાન્ય જનતા મોંઘવારીથી પીડાય છે, ત્યારે શાસક પરિવારના આ પ્રકારના વૈભવી જીવનના અહેવાલોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે અને દેશમાં ફરી એકવાર શાસન વિરોધી અશાંતિ ફેલાઈ છે.
આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે ૮૨ વર્ષીય અલી ખામેની ગમે ત્યારે પોતાના વારસદારની જાહેરાત કરી શકે છે. મોજતબાને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, પરંતુ આ કૌભાંડ બાદ તેમની છબીને મોટો ધક્કો લાગ્યો છે. બીજી તરફ, અમેરિકાએ પણ ઈરાન પર દબાણ વધાર્યું છે અને ચેતવણી આપી છે કે જો ઈરાન વાટાઘાટો માટે તૈયાર નહીં થાય તો જૂન કરતા પણ વધુ ભયાનક લશ્કરી હુમલો થઈ શકે છે. ઈરાન અત્યારે માત્ર આંતરિક વિરોધ જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ યુદ્ધ અને આર્થિક પતન જેવી ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
