News of Thursday, 29th January 2026
સરહદ પર BSFનો પ્રચંડ જવાબ: 60 રાઉન્ડ ફાયરિંગ સાથે પાકિસ્તાની દાણચોરોને ભગાડ્યા, હથિયારોનો જંગી જથ્થો જપ્ત
ફાઝિલ્કા બોર્ડર પર મોડી રાત્રે 'સર્જિકલ' એક્શન; 20 પિસ્તોલ, 310 કારતૂસ અને કરોડોનું હેરોઈન કબજે કરીને પાકિસ્તાની નાપાક ચાલ નિષ્ફળ બનાવી

ચંદીગઢ, : પંજાબની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા વધુ એક નાપાક પ્રયાસને ભારતીય સીમા સુરક્ષા બળ (BSF) ના જવાનોએ ધૂળ ચાટતી કરી દીધી છે. ફાઝિલ્કાના BOP G-G-3 વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અંધારાનો લાભ લઈને ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા દાણચોરો પર BSF એ 60 રાઉન્ડ ગોળીબાર કરીને તેમને પાકિસ્તાન તરફ ભાગવા મજબૂર કર્યા હતા.
તલાશી અભિયાનમાં મળ્યો હથિયારોનો ખજાનો
ઘટના બાદ BSF અને પંજાબ પોલીસના સ્પેશિયલ ઓપરેશન સેલે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાની દાણચોરો દ્વારા છોડી દેવામાં આવેલી બે મોટી બેગમાંથી અત્યાધુનિક હથિયારો મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા જથ્થામાં:
• 20 પિસ્તોલ (જેમાં વિદેશી બનાવટની ગ્લોક, બેરેટા, ઝિગાના અને નોરિન્કો સામેલ છે).
• 39 મેગેઝિન અને 310 જીવંત કારતૂસ.
• 2 કિલો 160 ગ્રામ હેરોઈન અને એક બંદૂક.
પંજાબના DGP ગૌરવ યાદવે આ મોટી સફળતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ હવે આ સમગ્ર ડ્રગ-ટેરર નેટવર્કને તોડવા માટે ઉંડી તપાસ કરી રહી છે.
અમૃતસરમાં ડ્રોન દ્વારા મોકલાયેલા હેન્ડ ગ્રેનેડ ઝડપાયા
બીજી તરફ, અમૃતસરના રાજાસાંસી વિસ્તારના ઓથિયન ગામ પાસે પણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનથી ડ્રોન દ્વારા મોકલવામાં આવેલા 40 કિલો હેરોઈન અને 4 હેન્ડ ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યા છે. મોટરસાયકલ પર આ જથ્થો લઈ જઈ રહેલા યુવાનો ગામના રસ્તાના કામમાં વ્યસ્ત મજૂરોને જોઈને ગભરાઈ ગયા હતા અને માલ-સામાન છોડીને ભાગી છૂટ્યા હતા.
સરહદ પર એક જ દિવસમાં બે મોટા ઓપરેશન્સ સફળ બનાવીને ભારતીય સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દેશની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
