News of Thursday, 29th January 2026
યોગી સરકારની શિક્ષકોને 'માસ્ટરસ્ટ્રોક' ભેટ: હવે મળશે ₹5 લાખ સુધીની ફ્રી સારવાર, 30 મોટા પ્રસ્તાવો પર મહોર
શિક્ષામિત્રો અને રસોઈયાઓ સહિત 15 લાખથી વધુ પરિવારોને કેશલેસ મેડિકલ વીમાનું કવચ; યુપી બજેટ સત્રની તારીખો પણ જાહેર

લખનૌ, તા.29 : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આજે રાજ્યના લાખો શિક્ષકો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ માટે ખુશીનો પિટારો ખોલ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કુલ 32 દરખાસ્તોમાંથી 30 ઐતિહાસિક નિર્ણયોને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જેમાં સૌથી મહત્વનો નિર્ણય શિક્ષકો અને શિક્ષામિત્રો માટે કેશલેસ મેડિકલ વીમા યોજનાનો છે.
શિક્ષણ જગતમાં ખુશીની લહેર
નવા નિર્ણય મુજબ, હવે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકો, શિક્ષામિત્રો, અનુદેશકો અને કસ્તુરબા ગાંધી વિદ્યાલયના સ્ટાફ સહિત રસોઈયાઓને પણ વર્ષે ₹5 લાખ સુધીની મફત સારવાર મળશે. આ યોજનાનો લાભ સરકારી જ નહીં, પણ ગ્રાન્ટ-ઈન-એડ અને સેલ્ફ-ફાયનાન્સ શાળાઓના સ્ટાફને પણ મળશે. આ નિર્ણયથી અંદાજે 15 લાખ જેટલા કર્મચારીઓ અને તેમના પરિવારોનું સ્વાસ્થ્ય સુરક્ષિત બનશે.
બજેટ સત્ર અને રોજગારમાં મોટી છૂટછાટ
કેબિનેટમાં લેવાયેલા અન્ય એક મહત્વના નિર્ણય મુજબ, ઉત્તર પ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર 9 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 11 ફેબ્રુઆરીના રોજ રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, 'સીએમ ફેલો' તરીકે કામ કરતા યુવાનોને સરકારી ભરતીમાં 3 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ અને અનુભવના ગુણ (વેઇટેજ) આપવાની જાહેરાત કરીને સરકારે યુવાશક્તિને પ્રોત્સાહન આપ્યું છે.
વિકાસની તેજ રફ્તાર: સાયન્સ પાર્ક અને ટેક્સટાઇલ હબ
યોગી સરકારે પ્રાદેશિક વિકાસ પર પણ ભાર મૂક્યો છે. બરેલી અને મુરાદાબાદમાં હવે અત્યાધુનિક સાયન્સ પાર્ક અને વેધશાળાઓ આકાર લેશે. તે જ સમયે, ગોરખપુર અને વારાણસીમાં ડ્રેનેજ સિસ્ટમ માટે કરોડોના પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. લખનૌ-હરદોઈ બોર્ડર પર બની રહેલા ટેક્સટાઇલ પાર્કમાં પાણી પુરવઠા માટે ₹458 કરોડ ફાળવીને ઔદ્યોગિક વિકાસને વેગ આપ્યો છે.
આ સાથે જ, પૂર્વ પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા હિન્દુ બંગાળી પરિવારોના પુનર્વસન માટે જમીન ફાળવીને સરકારે એક માનવીય અભિગમ પણ રજૂ કર્યો છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
