News of Wednesday, 28th January 2026
જમ્મુમાં પ્રવાસનનું નવું નજરાણું: તાવી નદીના કિનારે આજથી ભવ્ય 'બોટિંગ ફેસ્ટિવલ'નો પ્રારંભ
ઝળહળતી રોશની અને કૃત્રિમ તળાવના સંગાથે પર્યટકો માણી શકશે મફત બોટિંગનો આનંદ; બે દિવસીય ઉત્સવથી જમ્મુમાં રોનક વધી.

જમ્મુ, તા. 28 : જમ્મુ અને કાશ્મીરના શિયાળુ પાટનગર જમ્મુમાં આજથી પ્રવાસનને વેગ આપવા માટે બે દિવસીય ભવ્ય 'તાવી બોટિંગ ફેસ્ટિવલ'ની શરૂઆત થઈ છે. શહેરની મધ્યમાંથી વહેતી તાવી નદી પર પ્રશાસન દ્વારા એક અનોખો પ્રયોગ કરીને પ્રવાસીઓ માટે મનોરંજનનું નવું કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
કૃત્રિમ તળાવમાં બોટિંગની મજા સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના સહયોગથી તાવી નદી પર બેરેજ (બંધ) બાંધીને પાણી રોકવામાં આવ્યું છે, જેનાથી નદીના પટમાં જ એક સુંદર કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. આ તળાવમાં હવે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ બોટિંગની મજા માણી શકશે. આ ફેસ્ટિવલની સૌથી ખાસ વાત એ છે કે જાહેર જનતા માટે આ એન્ટ્રી અને બોટિંગ સંપૂર્ણપણે મફત રાખવામાં આવી છે.
લાઇટિંગથી ઝળહળી ઉઠ્યા નદી કિનારા રાત્રિના સમયે આ ઉત્સવ વધુ મનોહર બની રહ્યો છે. નદીના કિનારાઓને રંગબેરંગી સુશોભન લાઇટોથી શણગારવામાં આવ્યા છે, જે પાણીમાં પડતા પ્રતિબિંબને કારણે અદ્ભુત દ્રશ્યો સર્જે છે. જમ્મુની ઓળખ સમાન તાવી નદીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના આ પ્રયાસને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ આવકારવામાં આવી રહ્યો છે.
આ ફેસ્ટિવલ આવતીકાલ સુધી ચાલશે, જેમાં હજારોની સંખ્યામાં પર્યટકો ઉમટી પડે તેવી શક્યતા છે. જમ્મુના આ નવા પ્રવાસન આકર્ષણથી પ્રદેશમાં ટુરિઝમની નવી ક્ષિતિજો ખુલશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
