<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

પ્રજાસત્તાક પર્વે ગુજરાત પોલીસનું ગૌરવ વધ્યું : રાજ્યના ૧૬ જાંબાઝ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત : જુઓ સંપૂર્ણ સૂચિ

IPS નિપુણા તોરવણે અને શૈલેષસિંહ રઘુવંશીને વિશિષ્ટ સેવા માટે 'પ્રેસિડેન્ટ મેડલ', જ્યારે અન્ય ૧૪ અધિકારીઓને પ્રશંસનીય કામગીરી બદલ 'મેરિટોરિયસ સર્વિસ મેડલ' એનાયત : રાજ્ય પોલીસવડા દ્વારા તમામ વિજેતાઓને અભિનંદન

ગાંધીનગર, તા. 25 જાન્યુઆરી : ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૬ માટેના પ્રતિષ્ઠિત પોલીસ ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ ગુજરાત પોલીસ દળના કુલ ૧૬ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિશિષ્ટ અને પ્રશંસનીય સેવાઓ બદલ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા પોલીસ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ રાજ્ય પોલીસવડા (DG & IG) દ્વારા તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
વિશિષ્ટ સેવા અંગેના રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PSM):
રાજ્યના બે ઉચ્ચ અધિકારીઓને તેમની અત્યંત વિશિષ્ટ સેવાઓ માટે સર્વોચ્ચ 'પ્રેસિડેન્ટ મેડલ' (PSM) એનાયત કરાયા છે.
* શ્રીમતી નિપુણા તોરવણે (IPS): અધિક પોલીસ મહાનિદેશક અને અગ્ર સચિવ, ગૃહ વિભાગ, ગાંધીનગર.
* શ્રી શૈલેષસિંહ એસ. રઘુવંશી: નાયબ કમિશનર ઓફ ઇન્ટેલિજન્સ, અમદાવાદ રીજીયન.
પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ (MSM):
ગુજરાતના ૧૪ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની પ્રશંસનીય કામગીરી બદલ 'મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ' (MSM) થી નવાજવામાં આવ્યા છે. વિજેતાઓની યાદી નીચે મુજબ છે:
૧. શ્રી પી.એલ. માલ (IPS): પોલીસ મહાનિરીક્ષક, કોસ્ટલ સિક્યુરીટી, ગાંધીનગર.
૨. શ્રી એ.જી. ચૌહાણ (IPS): પોલીસ મહાનિરીક્ષક, જેલ વિભાગ, અમદાવાદ.
૩. શ્રી એમ.જે. ચાવડા (IPS): પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગર.
૪. શ્રી ધર્મેન્દ્ર હરજીભાઈ દેસાઈ (SPS): પોલીસ અધિક્ષક, એમ.ટી., ગાંધીનગર.
૫. શ્રી ઘનશ્યામસિંહ એ. સરવૈયા: મદદનીશ પોલીસ કમિશનર, સુરત શહેર.
૬. શ્રી વસંત સોમસિંહ પરમાર: પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સુરત શહેર.
૭. શ્રી સંજય મુરલીધર પાટીલ: પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સુરત શહેર.
૮. શ્રી ક્રિપાલસિંહ જીલુભા રાણા: પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર, રાજકોટ શહેર.
૯. શ્રી સુનિલ ગોરખભાઈ દેશલે: એ.એસ.આઈ. (ASI), સુરત શહેર.
૧૦. શ્રી ગીરીશભાઈ છગનભાઈ દેસાઈ: એ.એસ.આઈ. (ASI), અમદાવાદ શહેર.
૧૧. શ્રી શનાભાઈ મોરારભાઈ પરમાર: હેડ કોન્સ્ટેબલ, SRPF ગ્રુપ-૧૦, વાલીયા.
૧૨. શ્રી લાલસિંહ રામસિંહ વિહોલ: એ.આઈ.ઓ. (AIO), ઇન્ટેલિજન્સ બ્યુરો, ગાંધીનગર.
૧૩. શ્રી વિષ્ણુભાઈ ભારતભાઈ દેસાઈ: એ.આઈ.ઓ. (AIO), ઇન્ટેલિજન્સ બ્યુરો, ગાંધીનગર.
૧૪. શ્રી અરવિંદ ભોપીનભાઈ તડવી: એ.આઈ.ઓ. (AIO), ઇન્ટેલિજન્સ બ્યુરો, ગાંધીનગર.
જાહેરમાં બહુમાન કરવા આદેશ:
રાજ્ય પોલીસવડાના આદેશાનુસાર, ચંદ્રક મેળવનાર તમામ અધિકારીઓને ૨૬મી જાન્યુઆરીના રોજ સંબંધિત જિલ્લા અથવા યુનિટના મુખ્ય મથક ખાતે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં ખાસ આમંત્રિત કરવામાં આવશે. ત્યાં તેમનું જાહેરમાં બહુમાન કરી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવશે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે પણ ધ્વજવંદન પ્રસંગે વિજેતા કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.

(1:17 PM IST)