News of Saturday, 24th January 2026
નાની બચત યોજનાઓમાં રેકોર્ડ રૂા.૨.૧૭ લાખ કરોડ જમા થયા
જ્યારે નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવા માટે મોટી જાહેરાતો કરવામાં આવી હતી, ત્યારે એવું માનવામાં આવતું હતું કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના અને અન્ય નાની બચત યોજનાઓ તેમની ચમક ગુમાવશે. જોકે તાજેતરના આંકડા આ ધારણાને સંપૂર્ણપણે ખોટી સાબિત કરે છે

નવી દિલ્હી તા.૨૪: જ્યારે નવી કર વ્યવસ્થાએ કર મુક્તિનો લાલચ ઘટાડી દીધી હોય, ત્યારે દેશભરના લાખો રોકાણકારો હજુ પણ સરકાર સમર્થિત નાની બચત યોજનાઓમાં વિશ્વાસ ધરાવે છે. આ જ કારણ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૦ જાન્યુઆરી સુધીમાં રાષ્ટ્રીય નાની બચત ભંડોળ (NSSF) માં થાપણો રૂા.૨.૧૭ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ આંકડો સંપૂર્ણ વર્ષના બજેટ અંદાજના લગભગ બે તૃતીયાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે, જે સરકારને નોંધપાત્ર રાહત આપે છે.
માર્ચ ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓમાં સૌથી વધુ રોકાણ જોવા મળે છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના અને કર બચાવવા માટે અન્ય યોજનાઓમાં રોકાણ કરે છે. તેથી, અધિકારીઓ અપેક્ષા રાખે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ફલ્લ્જ્ કલેક્શન પ્રારંભિક લક્ષ્ય કરતાં વધુ હશે.
બજેટ અંદાજ કરતાં આ વધારાની ડિપોઝિટનો સીધો ફાયદો કેન્દ્ર સરકારને થઈ રહ્યો છે. વધુ ડિપોઝિટનો અર્થ એ છે કે સરકારે બજારમાંથી ઓછું ઉધાર લેવું પડશે. આ જ કારણ છે કે સરકારે ૨૦૨૫-૨૬ માટે NSSFમાંથી તેનો ઉપાડ ઘટાડીને રૂા.૩.૪૩ લાખ કરોડ કર્યો છે, જે પાછલા નાણાકીય વર્ષના રૂા.૪.૧૨ લાખ કરોડના સુધારેલા અંદાજથી ઓછો છે. સરકાર આગામી નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને ૪.૪% સુધી મર્યાદિત રાખવાનું લક્ષ્ય રાખે છે, જે એક વર્ષ પહેલા ૪.૮% હતું.
નોંધનીય છે કે ગયા બજેટમાં નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવામાં આવી હતી, ત્યારબાદ લગભગ ૭૫% કરદાતાઓ આ સિસ્ટમ તરફ વળ્યા છે. નવી કર વ્યવસ્થા નાની બચત પર કર મુક્તિ આપતી નથી, જ્યારે જૂની કર પ્રણાલીમાં રૂા.૧.૫ લાખ સુધીના રોકાણ પર કલમ 80C હેઠળ કર મુક્તિ આપવામાં આવી હતી. આમ છતાં, નાની બચત યોજનાઓમાં રોકાણ ધીમું પડ્યું નથી.
અધિકારીઓ કહે છે કે આકર્ષક વ્યાજ દરો આનું મુખ્ય કારણ છે. ગયા વર્ષે, RBI એ રેપો રેટમાં ૧૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જેના કારણે બેંક FD વ્યાજ દરો પર દબાણ આવ્યું છે. તેનાથી વિપરીત, PPF ૭.૧% વ્યાજ આપે છે અને સુકન્યા સમૃદ્ધિ યોજના ૮.૨% વ્યાજ આપે છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર અને કિસાન વિકાસ પત્ર જેવી યોજનાઓ પરના દરો પણ રોકાણકારોને આકર્ષી રહ્યા છે
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
