News of Thursday, 22nd January 2026
યુપીના રાજકારણમાં ‘શંકરાચાર્ય’ વિવાદની એન્ટ્રી: અખિલેશ યાદવના સીએમ યોગી પર આકરા પ્રહાર, કહ્યું- “શું કોઈ સંતની સરકારમાં સંતો પર લાઠીચાર્જ શોભે?”
પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સાથેના ગેરવર્તન બદલ સપા સુપ્રીમો લાલઘૂમ: સનાતનીઓનું અપમાન સહન નહીં કરાય”, વહીવટીતંત્રને કોણે આદેશ આપ્યા તેવો વેધક સવાલ ઉઠાવ્યો

લખનૌ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સાધુ-સંતો સાથે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા કથિત દુર્વ્યવહારને લઈને હવે રાજકીય જંગ છેડાયો છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આ મુદ્દે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આડે હાથ લેતા સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. અખિલેશે સીધો સવાલ કર્યો છે કે, જે સરકારના વડા પોતે એક યોગી અને સંત છે, ત્યાં સંતોનું અપમાન કેવી રીતે થઈ શકે?
લખનૌમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન અખિલેશ યાદવે પ્રયાગરાજ પ્રશાસનની કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, “સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે તે કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય તેમ નથી. અધિકારીઓ જે રીતે સંતો સાથે વર્તી રહ્યા છે, તેના પરથી લાગે છે કે તેમને ઉપરથી કોઈ ચોક્કસ નિર્દેશો મળી રહ્યા છે.” અખિલેશે વધુમાં ઉમેર્યું કે, સતુઆ બાબા જેવા સંતોના સમયમાં પણ અમે શ્રદ્ધા જોઈ છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ સનાતનીઓ માટે અપમાનજનક છે.
અખિલેશે મુખ્યમંત્રી પર તંજ કસતા કહ્યું કે, ભાજપ સરકાર હંમેશા ધર્મ અને સંસ્કૃતિની વાતો કરે છે, પરંતુ જ્યારે સાચા સંતોના સન્માનની વાત આવે છે ત્યારે વહીવટીતંત્ર લાઠીઓનો ઉપયોગ કરે છે. તેમણે આ સમગ્ર ઘટનાને ભક્તિ અને શ્રદ્ધા પરનો પ્રહાર ગણાવ્યો છે. નોંધનીય છે કે માઘ મેળા દરમિયાન વહીવટીતંત્ર અને શંકરાચાર્યના શિષ્યો વચ્ચે ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો.
આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે માઘ મેળા પ્રશાસને અવિમુક્તેશ્વરાનંદને ‘તમે શંકરાચાર્ય કેવી રીતે?’ તેવી નોટિસ મોકલી હતી. અખિલેશ યાદવે આ નોટિસને સંત પરંપરાનું અપમાન ગણાવીને વિરોધ નોંધાવ્યો છે. આગામી સમયમાં આ મુદ્દો યુપીના રાજકારણમાં મોટું સ્વરૂપ ધારણ કરે તેવા સંકેતો મળી રહ્યા છે, કારણ કે વિપક્ષ હવે આ મુદ્દે સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી રહ્યું છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
