News of Thursday, 22nd January 2026
“શું અમારે પણ મજૂર જ બનવાનું? અમને મોટા સપના જોવાનો હક નથી?”: ૬ઠ્ઠા ધોરણની બાળકીનો નાયબ મુખ્યમંત્રી અજિત પવારને હૃદયસ્પર્શી પત્ર, તંત્રમાં દોડધામ!
બીડની જિલ્લા પરિષદ શાળામાં સુવિધાઓના અભાવે અંકિતાએ ઠાલવી વ્યથા— સોશિયલ મીડિયા પર પત્ર વાયરલ થતા જ તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના, શિક્ષણ વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

બીડ: મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પરભણી કેસાપુરી ગામની એક માસૂમ દીકરીના સવાલોએ આજે રાજ્યના રાજકીય અને વહીવટી તંત્રને હચમચાવી દીધું છે. ધોરણ ૬ માં અભ્યાસ કરતી અંકિતા કવચટ નામની વિદ્યાર્થીનીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને પત્ર લખીને પોતાની શાળાની બદતર હાલત અને મૂળભૂત સુવિધાઓના અભાવ અંગે રજૂઆત કરી છે. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે.
પત્રમાં ઝળકી શેરડીના મજૂરોના બાળકોની વેદના
અંકિતાએ પત્રમાં ખૂબ જ મર્મસ્પર્શી સવાલ પૂછ્યો છે કે, "શું અમારે પણ મોટા થઈને અમારા માતા-પિતાની જેમ શેરડીના ખેતરોમાં મજૂરી જ કરવાની છે? શું અમને મોટા સપના જોવાનો કોઈ અધિકાર નથી?" તેણે લખ્યું કે શાળાના શિક્ષકો ભણાવવા માટે ખૂબ મહેનત કરે છે, પરંતુ શાળામાં પીવાના શુદ્ધ પાણી, શૌચાલય અને રમતગમતના સાધનો જેવી કોઈ સુવિધા નથી. તેણે દાવો કર્યો કે આ બધી સુવિધાઓ માત્ર સરકારી કાગળો પર જ સીમિત છે, હકીકતમાં વિદ્યાર્થીઓ પાયાની જરૂરિયાતો વગર ભણી રહ્યા છે.
“તમારો એક નિર્ણય અમારું જીવન બદલી શકે છે”
નાયબ મુખ્યમંત્રીને સીધી વિનંતી કરતા અંકિતાએ લખ્યું, "અમે કઈ બહુ મોટી માંગણી નથી કરી રહ્યા. અમને ફક્ત અભ્યાસ કરવા માટે સ્વચ્છ શૌચાલય અને પ્રામાણિક મેનેજમેન્ટની જરૂર છે. તમારો એક નાનો નિર્ણય અમારા જેવા હજારો બાળકોનું જીવન બદલી શકે છે." આ પત્રમાં રહેલી સાદગી અને સચ્ચાઈએ નેટીઝન્સના દિલ જીતી લીધા છે.
તંત્ર એક્શનમાં: તપાસ સમિતિની રચના
પત્ર વાયરલ થયા બાદ જિલ્લા પરિષદના વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ બાબતની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની વિશેષ સમિતિની રચના કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, "અમે શાળાની સ્થિતિની તપાસ કરી રહ્યા છીએ. સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જે પણ ખામીઓ હશે તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે."
એક નાનકડી બાળકીની આ પહેલે સાબિત કર્યું છે કે જો મનમાં ઈચ્છાશક્તિ હોય, તો સામાન્ય નાગરિકનો અવાજ પણ સત્તાના ઉચ્ચ શિખરો સુધી પહોંચી શકે છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
