News of Monday, 19th January 2026
બંગાળમાં ભાજપની ‘SIR ગેમ’ ખતમ: સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અભિષેક બેનર્જીનો હુંકાર, કહ્યું- “બંગાળના લોકો કરોડરજ્જુ વેચતા નથી કે ગુલામીમાં જીવવાનું જાણતા નથી”
મતદારોના નામ કાપવાના ષડયંત્ર પર સુપ્રીમ કોર્ટની રોક; ૧.૨૫ કરોડ લોકોને નોટિસ ફટકારવા મામલે ચૂંટણી પંચને પારદર્શિતા રાખવા આદેશ – ટીએમસીએ તેને લોકશાહી અને બંગાળની જનતાનો વિજય ગણાવ્યો

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) પ્રક્રિયાને લઈને ચાલી રહેલા રાજકીય ઘમસાણમાં આજે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની મોટી જીત થઈ છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવાનો કડક આદેશ આપતા ટીએમસીના નેતા અભિષેક બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે બારાસત ખાતે કાર્યકરોને સંબોધતા સ્પષ્ટ કર્યું કે, ભાજપનો બંગાળના ૧ કરોડ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો ખેલ હવે પૂરો થઈ ગયો છે.
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં આશરે ૧.૨૫ કરોડ લોકોને ‘તાર્કિક વિસંગતતા’ (Logical Discrepancies) ના નામે નોટિસ પાઠવી હતી. જેમાં માતા-પિતાના નામમાં ભૂલ કે ઉંમરમાં તફાવત જેવા કારણો દર્શાવવામાં આવ્યા હતા. ટીએમસીનો આરોપ હતો કે ભાજપના ઈશારે જાણીજોઈને અમુક વર્ગના મતદારોને નિશાન બનાવી તેમના નામ કાપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે હવે આદેશ આપ્યો છે કે આવી નોટિસ મેળવનાર લોકોની યાદી પંચાયત અને બ્લોક ઓફિસમાં જાહેર કરવી પડશે.
અભિષેક બેનર્જીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, "આ તે ભૂમિ છે જેણે દેશને પુનર્જાગરણ અને સ્વતંત્રતાનો માર્ગ બતાવ્યો છે. બંગાળના લોકો બહારના લોકો સામે માથું નમાવતા નથી. અમે અમારી કરોડરજ્જુ વેચતા નથી કે ગુલામીમાં જીવવાનું જાણતા નથી." તેમણે ઉમેર્યું કે ભાજપ કોર્ટમાં હારી ગયું છે અને હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં જનતા તેમને મતોથી હરાવશે.
કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જે લોકોને નોટિસ મળી છે, તેઓએ પોતે રૂબરૂ જવાની જરૂર નથી. તેઓ પોતાના અધિકૃત એજન્ટ અથવા બૂથ લેવલ એજન્ટ (BLA-2) દ્વારા દસ્તાવેજો રજૂ કરી શકે છે. આ નિર્ણયથી લાખો સામાન્ય લોકોને સુનાવણી કેન્દ્રો પર થતી હાલાકીમાંથી મુક્તિ મળશે. ટીએમસીએ અગાઉ ચૂંટણી કમિશનરને મળીને આ પ્રક્રિયામાં એજન્ટોની હાજરીની માંગ કરી હતી, જેનો ત્યારે અસ્વીકાર કરાયો હતો, પરંતુ હવે કોર્ટે તે માન્ય રાખી છે.
અભિષેક બેનર્જીએ હર્ષ વ્યક્ત કરતા કહ્યું કે, જે ૧૦ મિલિયન (૧ કરોડ) નામો કાઢી નાખવાનું લક્ષ્ય રખાયું હતું તે હવે સુરક્ષિત છે. આ માત્ર કોઈ પાર્ટીની નહીં પણ બંગાળના લોકોના મતાધિકારની જીત છે. સુપ્રીમ કોર્ટના આ ઠપકા બાદ હવે ચૂંટણી પંચે તમામ વિગતો સાર્વજનિક કરવી પડશે, જેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓ પહેલા આ કાયદાકીય જંગે ટીએમસીને મોટું મનોબળ પૂરું પાડ્યું છે, જ્યારે ભાજપ માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
