News of Saturday, 17th January 2026
ઇન્ડોનેશિયામાં રડારથી ગાયબ થયેલું 11 મુસાફરો સાથેનું વિમાન પહાડોમાં તૂટી પડ્યું: પર્વતની ટોચ પર કાટમાળ દેખાતા મચી ગઈ દોડધામ
મકાસર એરપોર્ટ નજીક પર્વતીય પ્રદેશમાં સળગતો કાટમાળ જોવા મળ્યો; ઓછી ઊંચાઈએ ઉડાન ભરતી વખતે ATR 42-500 વિમાનનો સંપર્ક તૂટ્યો

જકાર્તા : ઇન્ડોનેશિયાના આકાશમાં આજે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે. ઇન્ડોનેશિયાના દરિયાઈ બાબતો અને મત્સ્યઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત ATR 42-500 વિમાન 11 લોકો સાથે ગુમ થયા બાદ હવે માઉન્ટ બુલુ સારાંગની પહાડીઓ પર તેનો કાટમાળ જોવા મળ્યો છે.
સંપર્ક તૂટ્યો અને સર્જાયો કરૂણ અંજામ
ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા (Flightradar24) મુજબ, આ વિમાન મકાસર એરપોર્ટથી લગભગ 20 કિમી ઉત્તરપૂર્વમાં ઉડી રહ્યું હતું ત્યારે તેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાન સમુદ્ર સપાટીથી ખૂબ જ ઓછી ઊંચાઈ પર ઉડી રહ્યું હોવાથી તે રડારની મર્યાદાની બહાર નીકળી ગયું હતું. સ્થાનિક સમય મુજબ બપોરે 1:17 વાગ્યે વિમાનનો છેલ્લો સિગ્નલ મળ્યો હતો, જેમાં 8 ક્રૂ મેમ્બર્સ અને 3 મુસાફરો સવાર હોવાનું જણાવાયું છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થયા છે, જેમાં પર્વતની ખડકાળ ટોચ પર વિમાનનો કાટમાળ વિખરાયેલો જોવા મળી રહ્યો છે. ગાઢ ધુમ્મસ વચ્ચે કાટમાળમાં લાગેલી નાની આગ અને મુસાફરોનો સામાન વેરવિખેર પડ્યો હોવાનું ફૂટેજમાં દેખાય છે. વીડિયો ઉતારનાર વ્યક્તિ આગ ઓલવવાનો પ્રયાસ કરતો પણ નજરે પડે છે.
બચાવ કામગીરી તેજ
મકાસર એરપોર્ટ પર ઉતરાણ કરવાની તૈયારીમાં હતું તે દરમિયાન જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના ઓપરેશન હેડ એન્ડી સુલ્તાનએ જણાવ્યું હતું કે, કાટમાળ દેખાયો હોવાના અહેવાલો બાદ તરત જ બચાવ ટુકડીઓને તે દિશામાં રવાના કરવામાં આવી છે. જોકે, દુર્ગમ પહાડી રસ્તો અને ધુમ્મસભર્યું વાતાવરણ કામગીરીમાં અવરોધ ઊભો કરી રહ્યું છે.
આ ઘટનાએ ફરી એકવાર ઇન્ડોનેશિયાના મુશ્કેલ હવાઈ ક્ષેત્રો અને હવામાનના જોખમો પર સવાલો ઊભા કર્યા છે. હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાનહાનિની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ જે રીતે કાટમાળ મળી આવ્યો છે તે જોતા મોટી હોનારતની ભીતિ સેવાઈ રહી છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
