તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 15th January 2026
બ્રિટિશ સંસદમાં વડાપ્રધાનની રમતિયાળ ફટકાબાજી: "કન્ઝર્વેટિવ પાર્ટી પાસે તો 'કામસૂત્ર' કરતાં પણ વધુ હોદ્દા (Positions) છે", સ્ટાર્મરે વિપક્ષની ઉડાવી મજાક
ડિજિટલ ID કાર્ડના મુદ્દે સરકારના યુ-ટર્ન પર થયેલી ચર્ચામાં કીર સ્ટાર્મરનો જોરદાર વળતો પ્રહાર; ૧૪ વર્ષમાં બદલાયેલા ૫ વડાપ્રધાન અને ૧૬ મંત્રીઓના આંકડા ટાંકીને વિપક્ષને ભીંસમાં લીધો

લંડન : યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે બુધવારે બ્રિટિશ સંસદમાં કન્ઝર્વેટિવ પાર્ટી (રૂઢિચુસ્તો) પર કટાક્ષ કરતા એક એવું નિવેદન આપ્યું જેની ચર્ચા અત્યારે આખા વિશ્વમાં થઈ રહી છે. કામદારો માટેના ફરજિયાત ડિજિટલ આઈડી કાર્ડની યોજના પડતી મૂકવાના મુદ્દે વિપક્ષના સવાલોનો સામનો કરી રહેલા સ્ટાર્મરે કહ્યું કે, છેલ્લા ૧૪ વર્ષમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ જેટલા પદો અને વલણો બદલ્યા છે, તેટલા તો 'કામસૂત્ર'માં પણ હોદ્દા (Positions) નથી!
વિપક્ષી નીતિઓ પર આકરા પ્રહારો
સ્ટાર્મરે સંસદમાં આંકડા રજૂ કરતા જણાવ્યું કે, "છેલ્લા ૧૪ વર્ષમાં આ લોકોએ ૫ વડાપ્રધાન, ૬ ચાન્સેલર, ૮ ગૃહ સચિવ અને ૧૬ ગૃહ મંત્રીઓ બદલ્યા છે. આટલા બધા પરિવર્તનો પછી કોઈ આશ્ચર્ય નથી કે તેઓ થાકી ગયા અને દેશે તેમને સત્તા બહાર કરી દીધા." સ્ટાર્મરનો ઈશારો કન્ઝર્વેટિવ પાર્ટીની અસ્થિર સરકારો અને વારંવાર બદલાતી નીતિઓ તરફ હતો.
ડિજિટલ ID કાર્ડ પર વિવાદ શું છે?
લેબર સરકારે અગાઉ બ્રિટનમાં ગેરકાયદેસર રોજગાર રોકવા માટે ડિજિટલ ID કાર્ડ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, પ્રાઈવસી (ગોપનીયતા) અને લોકોની દેખરેખના મુદ્દે વ્યાપક વિરોધ થતા સરકારે આ યોજનામાં ફેરફાર કર્યો છે. વિપક્ષી નેતા કેમી બેડેનોકે આને સરકારનો "યુ-ટર્ન" ગણાવ્યો હતો, જેના જવાબમાં સ્ટાર્મરે આ રમૂજી ટિપ્પણી કરી હતી.
સ્વતંત્રતાનો વિજય કે નીતિની નબળાઈ?
રિફોર્મ યુકેના નેતા નિગેલ ફેરેજે સરકારના આ નિર્ણયને 'વ્યક્તિગત સ્વતંત્રતાનો વિજય' ગણાવ્યો છે. બીજી તરફ, સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું કે ભલે ડિજિટલ ID કાર્ડનું સ્વરૂપ બદલાયું હોય, પરંતુ ગેરકાયદેસર રીતે કામ કરતા લોકો સામેના ચેકિંગ તો ફરજિયાત અને ડિજિટલ જ રહેશે. બ્રિટિશ રાજકારણમાં અત્યારે આ 'કામસૂત્ર' વાળો કટાક્ષ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
