તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Wednesday, 14th January 2026
પ્રયાગરાજ માઘ મેળામાં ‘અગ્નિતાંડવ’: સતત બીજા દિવસે આગ ફાટી નીકળતા શ્રદ્ધાળુઓમાં દોડધામ, અડધો ડઝન તંબુઓ બળીને ખાખ
પૂજામાં વ્યસ્ત ભક્તોનો આબાદ બચાવ; આગ ઓલવવા જતાં ૩ ફાયર ફાઈટરો દાઝ્યા, હજારોની રોકડ અને ઘરવખરી બળીને રાખ થઈ જતાં ભારે નુકસાન

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા સુપ્રસિદ્ધ માઘ મેળામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. બુધવારે સાંજે મેળાના સેક્ટર ૪ માં આવેલા તુલસી માર્ગ પર સ્થિત ‘બડે બ્રહ્મા છોટે બ્રહ્મા’ આશ્રમમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અડધો ડઝન જેટલા રહેણાંક તંબુઓ જોતજોતામાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. મંગળવારે પણ આવી જ એક ઘટના બની હતી, જેના કારણે મેળામાં આવેલા કલ્પવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
આશ્રમના સંચાલક કમલેશ્વર નાથ પાંડેના જણાવ્યા અનુસાર, જ્યારે આગ લાગી ત્યારે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ તંબુની અંદર પૂજા અને ધાર્મિક વિધિમાં વ્યસ્ત હતા. અચાનક તંબુની પાછળના ભાગેથી અગનજ્વાળાઓ દેખાતા અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ તત્કાલ રેતી અને પાણી ફેંકી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં શ્રદ્ધાળુઓનો બચાવ થયો છે પરંતુ અનાજ, કપડાં અને ₹૨૦,૦૦૦ ની રોકડ રકમ સહિતનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે.
આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ૧૨ થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેતા ત્રણ ફાયર ફાઈટરો - મિલન સિંહ, અમરજીત અને અમૃત યાદવ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ અન્ય શિબિરો સુધી ફેલાતા અટકી હતી, નહીંતર મોટી હોનારત સર્જાઈ શકી હોત.
નોંધનીય છે કે મેળામાં સતત બીજા દિવસે આગ લાગવાની આ બીજી મોટી ઘટના છે. મંગળવારે પણ સેક્ટર ૫ માં રામ નામ પ્રચાર સંઘના કેમ્પમાં આગ લાગી હતી જેમાં એક લાખ રૂપિયાની રોકડ અને બે તંબુ બળી ગયા હતા. વારંવાર બનતી આ ઘટનાઓએ વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. અત્યારે સમગ્ર મેળા વિસ્તારમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આગ લાગવાના સચોટ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
