<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

ઈરાનની નિર્દયતા: ૨૬ વર્ષના યુવાનને જાહેરમાં ફાંસી આપવાની તૈયારી, પરિવારને મળવા માત્ર ૧૦ મિનિટનો સમય; શું ટ્રમ્પ હવે ઈરાન પર મિસાઈલ હુમલો કરશે?

ઈરફાન સોલ્તાનીને ‘અલ્લાહ સામે યુદ્ધ’ના આરોપમાં મોતની સજા, કોઈ પણ ટ્રાયલ વગર લેવાયો નિર્ણય; અમેરિકાએ B-2 બોમ્બર્સ અને મિસાઈલ હુમલાના વિકલ્પો ખુલ્લા રાખતા યુદ્ધના વાદળો ઘેરાયા

તેહરાન:ઈરાનમાં માનવાધિકારના ધજાગરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી રહી છે. ઈસ્લામિક શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવનારા ૨૬ વર્ષીય સામાન્ય દુકાનદાર ઈરફાન સોલ્તાનીને ઈરાની સરકાર આગામી થોડા કલાકોમાં જાહેરમાં ફાંસી આપવા જઈ રહી છે. પ્રજામાં ડર ફેલાવવા માટે આ ફાંસી કોઈ ચોકડી પર આપવાની હિલચાલ ચાલી રહી છે. સૌથી કરૂણ બાબત એ છે કે, આ યુવાનને તેના પરિવાર સાથે મળવા માટે માત્ર ૧૦ મિનિટનો સમય આપવામાં આવશે, અને તે પણ ફાંસીના થોડા સમય પહેલા જ.
 ઈરફાન સોલ્તાની, જે મધ્ય ઈરાનમાં કપડાની નાની દુકાન ચલાવતો હતો, તેને ૮ જાન્યુઆરીએ પકડવામાં આવ્યો હતો. કોઈ પણ કાયદેસરની ટ્રાયલ કે વકીલની સુવિધા આપ્યા વગર માત્ર ત્રણ દિવસમાં તેને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી. ઈરાની કાયદા હેઠળ સરકાર વિરોધી વિરોધને ‘અલ્લાહ સામેનું યુદ્ધ’ (મોહરેબેહ) ગણાવી સીધી મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે. માનવાધિકાર જૂથોનો દાવો છે કે ઈરફાનને કસ્ટડીમાં અત્યંત ત્રાસ આપવામાં આવ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તેમણે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આ યુવાનને ફાંસી આપવામાં આવશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. પેન્ટાગોને ટ્રમ્પને લાંબા અંતરની મિસાઈલો અને હવાઈ હુમલાના વિકલ્પો સોંપ્યા છે. ગયા વર્ષે જૂનમાં જે રીતે અમેરિકાએ B-2 બોમ્બર્સથી ઈરાનની પરમાણુ સુવિધાઓ પર બંકર-બસ્ટર બોમ્બ ફેંક્યા હતા, તેવી જ રીતે ફરી એકવાર મોટા લશ્કરી હુમલાની શક્યતા નકારી શકાતી નથી.
અમેરિકાએ પહેલાથી જ પોતાના નાગરિકોને ઈરાન છોડી દેવાની સૂચના આપી દીધી છે, જે મોટા હુમલાનો સંકેત માનવામાં આવે છે. ઈરફાન સોલ્તાનીની બહેન પોતે વકીલ હોવા છતાં તેને કાયદેસર રીતે લડવા દેવામાં આવી નથી. અત્યારે સમગ્ર વિશ્વની નજર ઈરાન પર છે. જો વહેલી સવારે ફાંસી આપવામાં આવશે, તો મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ ફરી ભભૂકી શકે છે. હવે જોવાનું એ રહેશે કે શું ટ્રમ્પની ધમકી ઈરાનના જલ્લાદોને રોકી શકશે કે પછી વધુ એક નિર્દોષનો ભોગ લેવાશે.

(8:33 PM IST)