News of Wednesday, 14th January 2026
બ્રિટન સરકાર હવે TikTok પર બતાવશે ‘લાઇવ દરોડા’: ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકવા શરૂ કર્યું ખાસ એકાઉન્ટ, દરવાજા તોડતા અધિકારીઓના વીડિયો વાયરલ
ઇમિગ્રેશનના મુદ્દે ઘેરાયેલી કીર સ્ટાર્મર સરકારનો નવો દાવ; નેઇલ બાર અને કાર વોશ સેન્ટરો પર દરોડામાં ૭૭% નો ઉછાળો, વિરોધ પક્ષોએ ‘ક્રૂરતા’ ગણાવી

લંડન : બ્રિટન સરકારે દેશમાં વધી રહેલા ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા અને મતદારોને રીઝવવા માટે એક અનોખો અને વિવાદાસ્પદ રસ્તો અપનાવ્યો છે. સરકારે હવે 'TikTok' પર પોતાનું સત્તાવાર એકાઉન્ટ શરૂ કર્યું છે, જેના પર પોલીસ અને ઇમિગ્રેશન એજન્ટો દ્વારા પાડવામાં આવતા દરોડાના લાઇવ જેવા વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે બ્રિટન આવવા માંગતા લોકોને ડરાવવાનો અને સ્થાનિક મતદારોને સરકારની કામગીરી બતાવવાનો છે.
દરોડા, હાથકડી અને દેશનિકાલના વીડિયો
TikTok પર 'securebordersuk' નામનું એકાઉન્ટ બનાવીને ૨૦ સેકન્ડની ટૂંકી ક્લિપ્સ મૂકવામાં આવી રહી છે. આ વીડિયોમાં સશસ્ત્ર અધિકારીઓ ઘરો અને દુકાનોના દરવાજા તોડી રહ્યા છે, લોકોને હાથકડી પહેરાવીને લઈ જઈ રહ્યા છે અને ગેરકાયદેસર કામદારોને વિમાન દ્વારા દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોના અંતે "અને આ તો માત્ર શરૂઆત છે" તેવો સંદેશ આપવામાં આવે છે, જે બ્રિટન સરકારનું કડક વલણ સ્પષ્ટ કરે છે.
રાજકીય દબાણ અને વધતી જતી ધરપકડ
વડા પ્રધાન કીર સ્ટાર્મરની લેબર પાર્ટી હાલમાં ઇમિગ્રેશનના મુદ્દે વિરોધ પક્ષોના નિશાના પર છે. આંકડાઓ મુજબ, જુલાઈ ૨૦૨૪ થી અત્યાર સુધીમાં ગેરકાયદેસર કામદારો પરના દરોડામાં ૭૭% અને ધરપકડમાં ૮૩% નો જંગી વધારો થયો છે. ખાસ કરીને નેઇલ બાર, કાર વોશ અને હેર સલૂન જેવા વ્યવસાયો પર સરકારની ચાંપતી નજર છે, જ્યાં વિદેશીઓ ગેરકાયદેસર રીતે કામ કરતા ઝડપાયા છે.
ચર્ચાઓ અને વિરોધનો વંટોળ
સરકારના આ પગલાંની બંને બાજુથી ટીકા થઈ રહી છે. માનવ અધિકાર સંગઠનો અને ચેરિટી સંસ્થાઓએ આને 'ક્રૂર મનોરંજન' ગણાવ્યું છે. 'ફ્રીડમ ફ્રોમ ટોર્ચર' સંસ્થાના મતે, સરકાર રાજકીય ફાયદા માટે દરોડાની ક્રૂરતાને 'ક્લિક-બેટ' મનોરંજનમાં ફેરવી રહી છે. બીજી તરફ, ૨૦૨૫ માં નાની બોટ દ્વારા ૪૦,૦૦૦ થી વધુ લોકોના આગમનને કારણે બ્રિટિશ નાગરિકોમાં ભારે રોષ છે, જેને શાંત પાડવા માટે સરકાર આ ડિજિટલ અભિયાનનો સહારો લઈ રહી છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
