News of Wednesday, 14th January 2026
અમેરિકામાં 'ગન કલ્ચર' અને એજન્ટોની અંધાધૂંધ ગોળીબારથી ભારત ચિંતિત: મિનેપોલિસની ઘટના બાદ ડાયસ્પોરાની સુરક્ષા પર ઉઠ્યા સવાલ
ઇમિગ્રેશન એજન્ટના ગોળીબારમાં મહિલાના મોતથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ; મેયરે ફેડરલ સરકારના 'સ્વ-બચાવ'ના દાવાને નકારી કાઢતા વિવાદ વકર્યો

વોશિંગ્ટન: અમેરિકાના મિનેપોલિસમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ઓપરેશન દરમિયાન થયેલા જીવલેણ ગોળીબારની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. ભારતે આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા અમેરિકામાં વસતા લાખો ભારતીય ડાયસ્પોરાની સલામતીનો મુદ્દો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે (MEA) શુક્રવારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમેરિકામાં ભારતીય સમુદાયની ખૂબ મોટી વસ્તી હોવાથી ત્યાં બનતી આવી હિંસક ઘટનાઓ ભારત માટે ચિંતાનો વિષય છે.
શું છે સમગ્ર વિવાદ?
મિનેપોલિસમાં યુએસ ઇમિગ્રેશન એજન્ટો દ્વારા હાથ ધરવામાં આવેલી એક કાર્યવાહી દરમિયાન એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ એવો બચાવ કર્યો હતો કે મહિલાએ અધિકારીઓ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરતા એજન્ટે 'સેલ્ફ ડિફેન્સ' (સ્વ-બચાવ) માં ગોળી ચલાવી હતી. જોકે, આ દાવાએ ત્યારે ગંભીર વળાંક લીધો જ્યારે મિનેપોલિસના મેયર જેકબ ફ્રેએ ઘટનાના વીડિયો ફૂટેજ જોયા બાદ ફેડરલ સરકારની થિયરીને જાહેરમાં નકારી કાઢી હતી.
મેયરની ટીકા અને સ્થાનિક વિરોધ
મેયર જેકબ ફ્રેએ એજન્ટોના વર્તનની કડક ટીકા કરતા કહ્યું કે, આ પ્રકારના કૃત્યોથી શહેરમાં ભય અને અશાંતિ ફેલાઈ છે. તેમણે એજન્ટોના દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે, જેના કારણે અમેરિકામાં ઇમિગ્રેશન એજન્સીઓના બળપ્રયોગ (Force of Use) સામે ફરી એકવાર મોટો વિરોધ ફાટી નીકળ્યો છે. સ્થાનિક નાગરિકો અને માનવ અધિકાર સંગઠનો હવે આ મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે.
ભારતીય સમુદાયમાં ચિંતાનો માહોલ
અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયો માટે સુરક્ષા હંમેશા પ્રાથમિકતા રહી છે. ભારતે આ ઘટનાનો ઉલ્લેખ કરીને પરોક્ષ રીતે અમેરિકાને પોતાના કાયદા અમલીકરણ એજન્ટો પર નિયંત્રણ રાખવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચન કર્યું છે. મિનેપોલિસમાં બનેલી આ ઘટનાએ ગન વાયોલન્સ અને ઇમિગ્રેશન પોલિસી વચ્ચેના સંઘર્ષને ફરી સપાટી પર લાવી દીધો છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
