<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

સમયને મ્હાત આપી પરત ફર્યો 'અનિલ': 1984ના રમખાણોમાં ખોવાયેલો 15 વર્ષનો કિશોર 40 વર્ષે ઘરે પાછો આવ્યો

ભગવાન રામના વનવાસ કરતા પણ લાંબો વિરહ: ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ફાટી નીકળેલા રમખાણોમાં વિખૂટો પડેલો ભાઈ 55 વર્ષની ઉંમરે મળતા આખું ગામ હિબકે ચઢ્યું

પુરુલિયા: પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના કરંડી ગામમાં તાજેતરમાં એક એવો કુદરતી ચમત્કાર જોવા મળ્યો છે, જે જોઈને વિજ્ઞાન અને તર્ક પણ ટૂંકા પડે. વર્ષ 1984માં જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ આખો દેશ રમખાણોની આગમાં સળગતો હતો, ત્યારે માત્ર 15 વર્ષની ઉંમરે ગાયબ થયેલો અનિલ કુમાર આજે 40 વર્ષ બાદ 55 વર્ષની ઉંમરે હેમખેમ પોતાના ઘરે પરત ફર્યો છે. જે પુત્રને પરિવારે દાયકાઓ પહેલા મૃત માની લીધો હતો અને જેની યાદો પર સમયની ધૂળ જામી ગઈ હતી, તેને અચાનક પોતાની નજર સામે જોઈને વૃદ્ધ ભાઈઓ અને ગ્રામજનોની આંખોમાંથી આસુંની ધારા વહી નીકળી હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે લોહીના સંબંધો ગમે તેટલા અંતર કે ભય છતાં ક્યારેય ભૂંસાતા નથી.

આ કરુણ અને રોમાંચક વાર્તાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગરીબીને કારણે અનિલ તેના ભાઈઓ સાથે ઝારખંડના કટ્રાસમાં મજૂરી કરવા ગયો હતો. રમખાણો દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં નાસભાગ મચી અને કિશોર અનિલ ભીડમાં પોતાના ભાઈઓથી અલગ પડી ગયો. જીવ બચાવવા માટે તે એક મીઠાઈની દુકાનમાં સંતાઈ રહ્યો, પરંતુ તે ક્ષણોના ભયે તેના કુમળા માનસ પર એવી ઊંડી અસર કરી કે તે ફરી ક્યારેય ઘર તરફ જવાની હિંમત કરી શક્યો નહીં. પરિવારજનોએ વર્ષો સુધી પોલીસ સ્ટેશનો અને હોસ્પિટલોના ધક્કા ખાધા, પણ અનિલનો કોઈ પત્તો ન લાગતા આખરે ભારે હૈયે માની લીધું કે તેમના ઘરનો ચિરાગ રમખાણોની ભેટ ચઢી ગયો છે.

પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. કોલકાતામાં એકલવાયું અને સંઘર્ષમય જીવન વિતાવ્યા બાદ, 40 વર્ષે જ્યારે 55 વર્ષનો વૃદ્ધ જેવો દેખાતો અનિલ ગામના પાદરે આવીને ઉભો રહ્યો, ત્યારે કોઈ તેને ઓળખી શક્યું નહીં. જોકે, જ્યારે તેણે પોતાના બાળપણની વાતો, પડોશીઓના નામ અને ઘરના જૂના કિસ્સાઓ સંભળાવ્યા, ત્યારે સમગ્ર ગામ સ્તબ્ધ થઈ ગયું. 15 વર્ષનો એ ડરેલો છોકરો હવે કરચલીવાળા ચહેરા અને સફેદ વાળ સાથે પાછો આવ્યો હતો, જેણે રામચંદ્રજીના 14 વર્ષના વનવાસ કરતા પણ ત્રણ ગણો લાંબો 'દેશનિકાલ' ભોગવ્યો હતો. આજે કરંડી ગામમાં ઉત્સવ જેવો માહોલ છે અને આ ઘટના આખા પશ્ચિમ બંગાળમાં ચર્ચાનો વિષય બની છે.

(6:06 PM IST)