તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Wednesday, 14th January 2026
યુદ્ધના વાદળો વચ્ચે ફસાયું ઈરાન: 'તાત્કાલિક દેશ છોડો', ભારત સરકારે નાગરિકો માટે જારી કરી એડવાઈઝરી
ટ્રમ્પની ચેતવણી અને ખામેનીના તેવર વચ્ચે ઈરાન બન્યું પાવડરનો ઢગલો: ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને સુરક્ષિત પરત ફરવા કરી અપીલ: ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો જારી

તેહરાન: મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઈરાનમાં રહેતા હજારો ભારતીયો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે એક અત્યંત તાકીદની એડવાઈઝરી જારી કરીને તમામ ભારતીય નાગરિકોને, જેમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ અને યાત્રાળુઓનો સમાવેશ થાય છે, તેમને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા વહેલી તકે ઈરાન છોડી દેવાની કડક સલાહ આપી છે. ઈરાનમાં અત્યાર સુધીમાં હિંસા અને અશાંતિમાં 11,000 થી વધુ લોકોના મોત થયા છે અને અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની "મદદ" અભિયાનની જાહેરાત બાદ ઈરાન પર અમેરિકી હુમલાની અટકળોએ જોર પકડ્યું છે.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા ભારતીય દૂતાવાસે ભારતીય મૂળના વ્યક્તિઓ (PIO) અને નાગરિકોને કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનો કે ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવા તાકીદ કરી છે. નાગરિકોને તેમના પાસપોર્ટ, આઈડી કાર્ડ અને અન્ય ઈમિગ્રેશન દસ્તાવેજો તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે જેથી ઈમરજન્સીના સમયે સ્થળાંતર ઝડપથી કરી શકાય. દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનમાં પરિસ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે, તેથી સ્થાનિક મીડિયાના સમાચારો પર સતત નજર રાખવી અને કોઈપણ મુશ્કેલીના સમયે દૂતાવાસ દ્વારા જારી કરાયેલા ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો (+989128109115) પર સંપર્ક કરવો જરૂરી છે.
ઈરાનમાં વર્તમાન અરાજકતાનું મુખ્ય કારણ સર્વોચ્ચ નેતા ખામેની અને વિરોધીઓ વચ્ચેનો સંઘર્ષ છે. ટ્રમ્પે વિરોધીઓને સરકારી કચેરીઓ કબજે કરવા પ્રોત્સાહન આપ્યું છે અને અમેરિકા તરફથી સીધી લશ્કરી સહાય મળવાની શક્યતાના કારણે ઈરાની સત્તાવાળાઓએ પણ તેમના મિસાઈલ દળોને એલર્ટ પર રાખ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે જો સંઘર્ષ વધશે તો અમેરિકા તેના ઘાતક B-21 રેઈડર જેવા બોમ્બર વિમાનોનો ઉપયોગ કરી શકે છે. આવી ભયાનક સ્થિતિ વચ્ચે ભારત સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઈ જોખમ લેવા માંગતી નથી અને 'ઓપરેશન અજય' જેવું કોઈ નવું રેસ્ક્યુ મિશન શરૂ થાય તે પહેલા નાગરિકોને સ્વખર્ચે પરત ફરવા જણાવી રહી છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
