News of Wednesday, 14th January 2026
ચિકન ફીડમાં 'ઝેર': DRIએ ₹81 કરોડના ડ્રગ્સ નેટવર્કનો કર્યો સફાયો : રાજસ્થાનથી હરિયાણા સુધી હાઈ-વોલ્ટેજ ડ્રામા
નશાના સોદાગરોની નવી ચાલ નિષ્ફળ: પશુ આહારના બહાને લઈ જવાતું 270 કિલો મેફેડ્રોન જપ્ત : 6 ધરપકડ સાથે આંતરરાજ્ય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ

જયપુર: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ દેશવ્યાપી ડ્રગ માફિયાઓ સામે લાલ આંખ કરતા એક અત્યંત રોમાંચક ઓપરેશન પાર પાડ્યું છે. 11 અને 12 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવેલા આ મિશનમાં અધિકારીઓએ રાજસ્થાનના હાઈવે પર એક શંકાસ્પદ ટ્રકને આંતરી હતી. દેખાવમાં આ ટ્રક પશુ આહાર એટલે કે 'ચિકન ફીડ'ની બોરીઓથી ભરેલી હતી, પરંતુ જ્યારે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે એજન્સીના હોશ ઉડી ગયા હતા. પશુ આહારની આડમાં આશરે ₹81 કરોડની કિંમતનું 270 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અત્યંત ચાલાકીપૂર્વક છુપાવવામાં આવ્યું હતું. DRIની સતર્કતાએ દાણચોરોની આ સ્માર્ટ ગણાતી યુક્તિને નિષ્ફળ બનાવી દીધી છે.
રાજસ્થાનમાં ટ્રક ડ્રાઈવરની અટકાયત બાદ શરૂ થયેલી પૂછપરછમાં ડ્રગ્સના મોટા સામ્રાજ્યના પુરાવા મળ્યા હતા, જે છેક હરિયાણા સુધી લંબાયેલા હતા. DRIની ટીમોએ વિલંબ કર્યા વગર હરિયાણામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા, જ્યાં એક ગેરકાયદેસર ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. આ ફેક્ટરીમાં માત્ર નશાનું વેચાણ જ નહીં, પરંતુ તેનું ઉત્પાદન પણ મોટા પાયે કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ અને મશીનરી જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કુલ 6 મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ઉત્પાદનથી લઈને સપ્લાય ચેઈન સુધીના તમામ સ્તરે સક્રિય હતા.
નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન DRI દ્વારા પર્દાફાશ કરવામાં આવેલી આ છઠ્ઠી મોટી ડ્રગ ફેક્ટરી છે. આ અગાઉ વાપી, લાતુર, ભોપાલ અને ગ્રેટર નોઈડા જેવા શહેરોમાં પણ આવી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે, જે દર્શાવે છે કે નશાના સોદાગરો હવે રહેણાંક અથવા ઔદ્યોગિક વિસ્તારોમાં છુપાઈને સિન્થેટિક ડ્રગ્સ બનાવી રહ્યા છે. 'ડ્રગ-મુક્ત ભારત'ના સંકલ્પ સાથે એજન્સી હવે આ સિન્ડિકેટના આંતરરાષ્ટ્રીય જોડાણોની તપાસ કરી રહી છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત થવું એ યુવાધનને બરબાદી તરફ ધકેલતા ડ્રગ માફિયાઓ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
