<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પિત્તો ગયો: જાહેરમાં મધ્યમ આંગળી બતાવી અપશબ્દો ફેંક્યા, હેકલરે 'પીડોફાઇલ રક્ષક' કહેતા ભડક્યા ડોનાલ્ડ

મિશિગનના ફોર્ડ પ્લાન્ટમાં કામદારે જેફરી એપ્સ્ટેઈન કેસ મુદ્દે ટોણો મારતા ટ્રમ્પે મર્યાદા ઓળંગી; વ્હાઇટ હાઉસે બચાવમાં કહ્યું- "પાગલ વ્યક્તિને યોગ્ય જવાબ આપ્યો"

ડેટ્રોઇટ (મિશિગન): તા.૧૪: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના આક્રમક અને વિવાદાસ્પદ મિજાજને કારણે ચર્ચાના ચગડોળે ચડ્યા છે. મિશિગનમાં ફોર્ડ મોટર કંપનીના પ્લાન્ટની મુલાકાત દરમિયાન ટ્રમ્પે એક અજાણ્યા વ્યક્તિ (હેકલર) તરફ મધ્યમ આંગળી (Middle Finger) ચીંધીને અત્યંત અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અમેરિકી રાજકારણમાં હોબાળો મચી ગયો છે.
શું હતો સમગ્ર વિવાદ?
ઘટના ત્યારે બની જ્યારે ટ્રમ્પ પ્લાન્ટમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ત્યાં હાજર એક કામદારે તેમને સંબોધીને જોરથી "પીડોફાઇલ રક્ષક" (Pedophile Protector) બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. આ ટોણો સીધો ટ્રમ્પના ભૂતકાળના મિત્ર અને કુખ્યાત જાતીય ગુનેગાર જેફરી એપ્સ્ટેઈન સાથેના જોડાણ તરફ હતો. આ સાંભળતા જ ટ્રમ્પનો પિત્તો ગયો હતો અને તેમણે તે વ્યક્તિની દિશામાં ફરીને જાહેરમાં ગંદા ઈશારા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.
વ્હાઇટ હાઉસનો બચાવ
આ ઘટના બાદ સર્જાયેલા વિવાદ પર વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરતા ટ્રમ્પનો બચાવ કર્યો છે. વ્હાઇટ હાઉસના કમ્યુનિકેશન ડિરેક્ટર સ્ટીવન ચ્યુંગે જણાવ્યું હતું કે, "એક પાગલ વ્યક્તિ જંગલીની જેમ રાષ્ટ્રપતિ વિરુદ્ધ બૂમો પાડી રહ્યો હતો અને અપશબ્દો બોલતો હતો. રાષ્ટ્રપતિએ માત્ર તેની ભાષામાં જ યોગ્ય અને સ્પષ્ટ વળતો જવાબ આપ્યો છે."
એપ્સ્ટેઈન કેસ અને ટ્રમ્પ
ઉલ્લેખનીય છે કે, જેફરી એપ્સ્ટેઈન કેસ સાથે જોડાયેલા ફેડરલ રેકોર્ડ્સ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબને કારણે ટ્રમ્પ વહીવટીતંત્રની સતત ટીકા થઈ રહી છે. વિરોધીઓનો આરોપ છે કે ટ્રમ્પ આ મામલા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે વેનેઝુએલા જેવા વિદેશી મુદ્દાઓનો સહારો લઈ રહ્યા છે.
આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે કેમેરા સામે મર્યાદા તોડી હોય, પરંતુ રાષ્ટ્રપતિ પદ પર રહીને આ પ્રકારના અશોભનીય વર્તનથી અમેરિકી જનતા અને વિપક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(5:38 PM IST)