News of Wednesday, 14th January 2026
ઇન્ડિયા ઓપનના અપમાન પર ભડક્યો કિદામ્બી શ્રીકાંત: ડેનિશ ખેલાડીઓને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- "ડેનમાર્કમાં પણ મેચ વચ્ચે લાઈટો જતી રહે છે!"
વિદેશી ખેલાડીઓએ દિલ્હીના પ્રદૂષણ અને સ્વચ્છતા પર સવાલ ઉઠાવતા ભારતીય સ્ટાર મેદાને; એન્ડર્સ એન્ટોનસેન પર લાગ્યો ₹4 લાખથી વધુનો દંડ

નવી દિલ્હી: તા.૧૪: નવી દિલ્હીમાં રમાઈ રહેલી 'ઈન્ડિયા ઓપન સુપર 750' બેડમિન્ટન ટુર્નામેન્ટ અત્યારે રમત કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. ડેનમાર્કના ખેલાડીઓએ ભારતની યજમાની અને દિલ્હીના વાતાવરણ પર ગંભીર આક્ષેપો કર્યા બાદ, ભારતના પૂર્વ વર્લ્ડ નંબર 1 કિદામ્બી શ્રીકાંતે આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો છે. શ્રીકાંતે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે નાની-મોટી ખામીઓ દરેક દેશમાં જોવા મળે છે અને માત્ર ભારતને નિશાન બનાવવું અયોગ્ય છે.
ડેનમાર્કની પોલ ખોલી નાખી
ડેનમાર્કની ખેલાડી મિયા બ્લિચફેલ્ડ્ટે ટ્રેનિંગ એરિયામાં ગંદકી અને પક્ષીઓના ચરક હોવાનો દાવો કરીને હોબાળો મચાવ્યો હતો. આનો જવાબ આપતા શ્રીકાંતે પોતાનો કડવો અનુભવ યાદ કરાવતા કહ્યું કે, "૨૦૧૬-૧૭માં ડેનમાર્કમાં મારી મેચ ચાલતી હતી ત્યારે પાવર કટને કારણે મારે એક કલાક સુધી કોર્ટ પર રાહ જોવી પડી હતી. પ્રણયે તો એક સેટ એક દિવસે અને બીજો સેટ બીજા દિવસે રમવો પડ્યો હતો. આવી ટેકનિકલ સમસ્યાઓ ગમે ત્યાં થઈ શકે છે, તેનો અર્થ એ નથી કે યજમાન દેશ જાણી જોઈને આવું કરે છે."
દિલ્હીનું પ્રદૂષણ અને દંડનો ફટકો
વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે વિશ્વના બીજા નંબરના ખેલાડી એન્ડર્સ એન્ટોનસેને દિલ્હીના "ભારે પ્રદૂષણ"નું બહાનું કાઢીને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી. જોકે, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ આ બહાનાને ગ્રાહ્ય રાખ્યું નથી અને એન્ટોનસેનને ૫,૦૦૦ અમેરિકી ડોલર (આશરે ₹૪.૧૫ લાખ)નો જંગી દંડ ફટકાર્યો છે. શ્રીકાંતે ઠંડી અને પ્રદૂષણની ટીકાને ફગાવતા કહ્યું કે, પ્રોફેશનલ ખેલાડીઓએ દરેક પ્રકારના વાતાવરણમાં રમવા માટે તૈયાર રહેવું જોઈએ.
ભારતીય બેડમિન્ટન સંઘ (BAI) નો બચાવ
BAI ના જનરલ સેક્રેટરી સંજય મિશ્રાએ પણ વિદેશી ખેલાડીઓના દાવાઓને રદિયો આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે મુખ્ય ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ એકદમ સ્વચ્છ અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનું છે. ડેનિશ ખેલાડી જે ગંદકીની વાત કરે છે તે કદાચ જૂના વોર્મ-અપ એરિયાની હોઈ શકે, પણ મુખ્ય ટુર્નામેન્ટ સ્થળમાં કોઈ કમી નથી.
મેદાન પર શ્રીકાંતનો દબદબો
આ વિવાદો વચ્ચે શ્રીકાંતે કોર્ટ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે. તેણે પ્રથમ રાઉન્ડમાં પોતાના જ દેશના થારુન માનેપલ્લીને ૫૩ મિનિટ ચાલેલી રસાકસી ભરી મેચમાં ૧૫-૨૧, ૨૧-૯, ૨૧-૧૯ થી હરાવીને શાનદાર જીત મેળવી છે. શ્રીકાંતે કહ્યું કે, તે ફરી એકવાર ભારતની ધરતી પર રમીને ગર્વ અનુભવી રહ્યો છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
