News of Wednesday, 14th January 2026
અમેરિકા-ઈરાન ટકરાવમાં પાકિસ્તાન 'સૂડી વચ્ચે સોપારી' જેવી હાલતમાં: આર્મી ચીફ અસીમ મુનીરે બોલાવી ઈમરજન્સી બેઠક, સરહદો પર હાઈ એલર્ટ
ટ્રમ્પ વહીવટીતંત્ર જો ઈરાન પર હુમલા માટે પાક.ના સૈન્ય મથકો માંગશે તો ઈસ્લામાબાદમાં યાદવાસ્થળી થવાનો ડર; ISI ચીફને મિત્ર દેશો સાથે તાલમેલ સાધવા આદેશ

ઇસ્લામાબાદ: તા.૧૪: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા તણાવને કારણે પાકિસ્તાન અત્યારે અત્યંત કપરી ભૌગોલિક-રાજકીય (Geopolitical) સ્થિતિમાં મુકાઈ ગયું છે. વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પના પુનરાગમન અને ઈરાન પ્રત્યેના તેમના કડક વલણને જોતા પાકિસ્તાનનું લશ્કરી નેતૃત્વ ચિંતિત છે. આ કટોકટીનું મૂલ્યાંકન કરવા માટે પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ટોચના સુરક્ષા અધિકારીઓ અને ISI વડા સાથે હાઈ-લેવલ ઈમરજન્સી બેઠક યોજી હતી.
બે સરહદો પર યુદ્ધ જેવી સ્થિતિનું જોખમ
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સૈન્યને સૌથી મોટો ડર એ છે કે જો ઈરાન સાથેના સંબંધો વણસશે તો પાકિસ્તાને પશ્ચિમમાં બીજી અસ્થિર સરહદનો સામનો કરવો પડશે. એક તરફ અફઘાનિસ્તાન સાથેની 'ડ્યુરન્ડ લાઈન' પર પહેલેથી જ ગોળીબાર અને તણાવ ચાલી રહ્યો છે, ત્યારે ઈરાન સાથેની લાંબી સરહદ પર જો અશાંતિ ફેલાય તો પાકિસ્તાન માટે તે સંભાળવું અશક્ય બની જશે.
અમેરિકાની માંગ પાકિસ્તાન માટે ફાંસો બની શકે?
બેઠકમાં મુખ્ય ચર્ચા એ વાત પર થઈ હતી કે, જો અમેરિકા ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરે અને પાકિસ્તાન પાસે તેના હવાઈ ક્ષેત્ર (Airspace) અથવા સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની માંગ કરે, તો ઇસ્લામાબાદ શું કરશે? જો પાકિસ્તાન હા પાડે તો ઈરાન દુશ્મન બને અને જો ના પાડે તો ટ્રમ્પ વહીવટીતંત્રની નારાજગી અને આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.
આંતરિક બળવાની આશંકા
પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને ડર છે કે ઈરાન પર કોઈ પણ હુમલો પાકિસ્તાનની અંદર રહેલી મોટી શિયા વસ્તીમાં ભારે રોષ પેદા કરી શકે છે. આનાથી દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનો અને આંતરિક અશાંતિ ફેલાઈ શકે છે. આ ઉપરાંત, યુદ્ધની સ્થિતિમાં ઈરાનથી આવતા શરણાર્થીઓનો પ્રવાહ પણ પાકિસ્તાનની ડગમગતી અર્થવ્યવસ્થા પર વધારાનું ભારણ લાવી શકે છે.
રાજદ્વારી મોરચે દોડધામ
પરિસ્થિતિને થાળે પાડવા માટે આર્મી ચીફ મુનીરે ISI વડાને સાઉદી અરેબિયા, તુર્કી, કતાર અને UAE જેવા દેશો સાથે સતત સંપર્કમાં રહેવા સૂચના આપી છે. આ મુસ્લિમ રાષ્ટ્રોએ સંયુક્ત રીતે વોશિંગ્ટનને અપીલ કરી છે કે ઈરાન પર કોઈ પણ લશ્કરી કાર્યવાહી સમગ્ર મધ્ય-પૂર્વ અને દક્ષિણ એશિયાને અસ્થિર કરી શકે છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
