News of Wednesday, 14th January 2026
જમ્મુ-કાશ્મીર બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર: કાશ્મીરી વિદ્યાર્થીઓએ મેદાન માર્યું, 84 ટકા રિઝલ્ટ સાથે શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈ સર કરી
94 હજારથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ ચમક્યું; કડક સુરક્ષા અને 994 પરીક્ષા કેન્દ્રો વચ્ચે લેવાયેલી કસોટીમાં વિદ્યાર્થીઓના શાનદાર દેખાવથી ખુશીનો માહોલ

શ્રીનગર: તા.14: જમ્મુ અને કાશ્મીર બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન (JKBOSE) દ્વારા આજે ધોરણ 10ની વાર્ષિક નિયમિત પરીક્ષાના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે વિદ્યાર્થીઓએ અભ્યાસ પ્રત્યેની પોતાની નિષ્ઠા સાબિત કરતા કુલ 84 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. પરિણામ જાહેર થતાની સાથે જ ખીણ પ્રદેશના શૈક્ષણિક જગતમાં અને વિદ્યાર્થીઓના પરિવારોમાં આનંદની લહેર દોડી ગઈ છે.
પરીક્ષાનું વિશાળ આયોજન
ગત વર્ષે 3 નવેમ્બરથી કાશ્મીર વિભાગમાં શરૂ થયેલી આ મહત્વપૂર્ણ પરીક્ષામાં કુલ 94,000 થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. બોર્ડ દ્વારા પરીક્ષાના સુચારૂ સંચાલન માટે સમગ્ર કાશ્મીર ક્ષેત્રમાં 994 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા. ઠંડીના પ્રારંભ વચ્ચે પણ વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે આ પરીક્ષા આપી હતી, જેનું સુખદ પરિણામ આજે જોવા મળી રહ્યંચ છે.
શિક્ષણ સ્તરમાં સુધારો
84 ટકાની પાસ ટકાવારી દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં શિક્ષણનું સ્તર સતત સુધરી રહ્યું છે. બોર્ડના સત્તાધિકારીઓએ સફળ ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ પરિણામ વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનનો પુરાવો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓના દેખાવમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
પરિણામ ક્યાં જોવું?
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જમ્મુ અને કાશ્મીર બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને રોલ નંબર દ્વારા ચેક કરી શકે છે. જે વિદ્યાર્થીઓ સફળ થયા છે તેમના ઘરોમાં મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા તેમને આગામી પૂરક પરીક્ષા માટે અત્યારથી જ તૈયારીમાં લાગી જવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
