News of Wednesday, 14th January 2026
TCS ના કર્મચારીની સેલરી સ્લિપ વાયરલ: 5.5 વર્ષની વફાદારી છતાં પગાર વધવાને બદલે ઘટ્યો! એચઆર પણ સ્તબ્ધ
2020 માં ₹25,000 થી શરૂઆત કરી હતી અને 2026 માં આંકડો ₹22,800 પર પહોંચ્યો; આઈટી સેક્ટરમાં ટકી રહેવા માટે કર્મચારીએ પૂછ્યો લાચારીભર્યો સવાલ

નવી દિલ્હી: તા.૧૪: ભારતની દિગ્ગજ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે કોઈ મોટા પ્રોજેક્ટ માટે નહીં પણ એક કર્મચારીની વાયરલ પોસ્ટને કારણે. એક જાવા ડેવલપરે Reddit પર પોતાની 'પગાર ગાથા' શેર કરી છે, જેણે આખા આઈટી જગતને હચમચાવી દીધું છે. સાડા પાંચ વર્ષના અનુભવ પછી પગારમાં વધારાને બદલે થયેલો ઘટાડો જોઈને નિષ્ણાતો પણ આશ્ચર્યમાં મુકાયા છે.
શું છે આખી ઘટના?
કર્મચારીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, તે 2020 માં ₹25,000 ના માસિક પગાર સાથે TCS માં જોડાયો હતો. પરંતુ અત્યારે 2026 માં, તેની મહેનત અને વફાદારીનું પરિણામ એ આવ્યું છે કે તેનો ટેક-હોમ પગાર ઘટીને માત્ર ₹22,800 થઈ ગયો છે. આ પોસ્ટ વાયરલ થતાની સાથે જ લોકોમાં કંપનીની એપ્રેઝલ સિસ્ટમ અને કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
સરકારી નોકરીનો મોહ અને પીઆઈપી (PIP) નો ગાળિયો
પોતાની ભૂલોનો સ્વીકાર કરતા કર્મચારીએ લખ્યું કે, ટાયર-3 કોલેજમાંથી સ્નાતક થયા બાદ તેનું ધ્યાન આઈટી સ્કિલ્સ વધારવાને બદલે સરકારી નોકરીની તૈયારીઓ પર હતું. આને કારણે ઓફિસમાં તેનું પ્રદર્શન નબળું રહ્યું અને તેને સતત C અને D ગ્રેડ મળ્યા. જુલાઈ 2025 માં તેને 'પરફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન' (PIP) માં મૂકવામાં આવ્યો હતો. જોકે તેણે સખત મહેનત કરીને પોતાની નોકરી તો બચાવી લીધી, પરંતુ કંપનીએ તેનો વાર્ષિક પગાર વધારો (Appraisal) અટકાવી દીધો હતો.
HR માટે 'રેડ ફ્લેગ' બની ગઈ સેલરી સ્લિપ
કર્મચારી માટે સૌથી મોટો પડકાર ત્યારે આવ્યો જ્યારે તેણે જાન્યુઆરી 2026 માં પોતાની જાતને 'જાવા બેકએન્ડ ડેવલપર' તરીકે તૈયાર કરી અને બહારની કંપનીઓમાં ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કર્યું. તે ટેકનિકલ રાઉન્ડ તો પાસ કરી લે છે, પરંતુ જ્યારે HR તેની 5.5 વર્ષના અનુભવ પછીની ઓછી સેલરી સ્લિપ જુએ છે, ત્યારે તેમને શંકા જાય છે અને તેઓ ઓફર આપવાનું માંડી વાળે છે.
નેટીઝન્સે આપી અનોખી સલાહ
આ પોસ્ટ પર યુઝર્સે અલગ-અલગ મંતવ્યો આપ્યા છે:
• MBA કરો: ઘણા યુઝર્સે સલાહ આપી કે ટેકનિકલ ફિલ્ડમાં ગાડી અટકી ગઈ હોય તો મેનેજમેન્ટ તરફ વળવું જોઈએ.
• સ્ટાર્ટઅપમાં જોડાઓ: સ્ટાર્ટઅપ્સમાં કામ શીખવાની અને પગાર વધારાની તકો વધુ હોય છે, ત્યાં અગાઉનો પગાર ઓછો નડતો નથી.
• સત્ય જણાવો: કેટલાક અનુભવી લોકોએ કહ્યું કે HR ને સ્પષ્ટ કહો કે તમે પહેલા અન્ય ક્ષેત્રમાં ધ્યાન આપતા હતા, પણ હવે તમે તમારી સ્કીલ્સ સુધારી લીધી છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
