<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

ઉત્તર પ્રદેશના બાગપતમાં ગાઢ ધુમ્મસને કારણે ગમખ્વાર અકસ્માત: સ્કૂલ કેબ અને કેન્ટર વચ્ચે ટક્કરમાં ૧૦ બાળકો ઘાયલ

ઉત્તર ભારતમાં જામેલા ગાઢ ધુમ્મસના કારણે બુધવારે સવારે બાગપતમાં દિલ્હી-સહારનપુર હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓથી ભરેલી કેબ પલટી ખાઈ ગઈ હતી.

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બુધવારે સવારે ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી-સહારનપુર નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, બડૌત સ્થિત શ્રીરામ ઈન્ટર કોલેજની એક સ્કૂલ કેબ વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી ત્યારે સામેથી આવી રહેલા તેજ રફ્તાર કેન્ટર (ટેમ્પો) સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે સ્કૂલ કેબ હાઈવે પર ત્રણ વાર પલટી ખાઈ ગઈ હતી.

આ દુર્ઘટનામાં કેબમાં સવાર ૧૦ જેટલા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત થતાની સાથે જ બાળકોની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકોને બસમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. લોકોએ કેન્ટર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો. 

કોતવાલી પ્રભારી બ્રિજેશ કુમારના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ ઘાયલ બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 

(12:24 PM IST)