News of Tuesday, 13th January 2026
ઓસ્ટ્રેલિયાના સપના પર 'બ્રેક': ભારત હાઈ-રિસ્ક લિસ્ટમાં મુકાયું : હવે વિઝા મેળવવા લોઢાના ચણા ચાવવા જેવું!
નકલી ડિગ્રી રેકેટ અને વિઝા છેતરપિંડી બાદ ઓસ્ટ્રેલિયાનો કઠોર નિર્ણય : ભારતને AL2 માંથી AL3 શ્રેણીમાં ધકેલાયું: 8 જાન્યુઆરીથી બેંક બેલેન્સ અને શૈક્ષણિક દસ્તાવેજોની થશે 'અગ્નિપરીક્ષા' જેવી તપાસ

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા જઈને ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું સપનું જોતા લાખો ભારતીય વિદ્યાર્થીઓ માટે ૨૦૨૬ની શરૂઆત આંચકાજનક રહી છે. ઓસ્ટ્રેલિયન સરકારે ભારતીય વિદ્યાર્થીઓને 'સૌથી વધુ જોખમ' એટલે કે એસેસમેન્ટ લેવલ-3 (AL3) ની શ્રેણીમાં મૂકી દીધા છે. આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ ભારતમાં તાજેતરમાં પકડાયેલા મોટા પાયે નકલી ડિગ્રી રેકેટ અને બેંકિંગ છેતરપિંડીના કિસ્સાઓ છે. અત્યાર સુધી જે વિઝા પ્રક્રિયા પ્રમાણમાં સરળ હતી, તે હવે દસ્તાવેજોની કડક ચકાસણી અને શંકાના દાયરામાં આવી ગઈ છે, જેનાથી વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે.
૮ જાન્યુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવેલા નવા નિયમો મુજબ, હવે માત્ર બેંક સ્ટેટમેન્ટ બતાવી દેવાથી વિઝા નહીં મળે. ઓસ્ટ્રેલિયન વિઝા અધિકારીઓ હવે દરેક દસ્તાવેજની સીધી યુનિવર્સિટીઓ અને બેંકો પાસેથી ચકાસણી કરશે. ભારત દર વર્ષે અંદાજે ૧,૪૦,૦૦૦ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા મોકલે છે, જે ત્યાંની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપે છે. આમ છતાં, વિઝા સિસ્ટમની સુરક્ષા જાળવવા માટે ઓસ્ટ્રેલિયાએ આ કડક રસ્તો અપનાવ્યો છે. ભારતની સાથે નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનને પણ આ જ 'રેડ ઝોન' માં મુકવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે દક્ષિણ એશિયાઈ વિદ્યાર્થીઓ માટે હવે ઓસ્ટ્રેલિયન શિક્ષણ બજારના દરવાજા સાંકડા થઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય શિક્ષણ મંત્રી જુલિયન હિલના મતે, આ કડક નિયમોને કારણે ઓસ્ટ્રેલિયા હવે અમેરિકા, યુકે અને કેનેડાની સરખામણીએ વિદ્યાર્થીઓ માટે ઓછું પસંદગીનું સ્થળ બની રહ્યું છે. જે વિદ્યાર્થીઓ ખરેખર પ્રતિભાશાળી છે અને તમામ સાચા પુરાવા ધરાવે છે, તેમને પણ હવે વિઝા પ્રોસેસિંગમાં લાંબો સમય અને અનેક વધારાના પ્રશ્નોનો સામનો કરવો પડશે. એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ માને છે કે આ ફેરફારથી હવે ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા ૬ મહિના અગાઉથી તૈયારી શરૂ કરવી પડશે અને આર્થિક યોગ્યતાના નક્કર પુરાવા રજૂ કરવા પડશે, નહીંતર વિઝા રિજેક્શનનો રેશિયો નોંધપાત્ર રીતે વધી શકે છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
