<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

રાજકોટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની મોટી જાહેરાત : રિલાયન્સ આગામી 5 વર્ષમાં ગુજરાતમાં રૂ. 7 લાખ કરોડનું રોકાણ કરી મબલખ રોજગારીની તકોનું સર્જન કરશે

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિકાસ માટે રિલાયન્સની 5 નવી પ્રતિબદ્ધતાઓ : જામનગરમાં ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ અને અમદાવાદમાં 2036 ઓલિમ્પિક માટે ભાગીદારીનો સંકલ્પ

રાજકોટ  : રાજકોટના ઐતિહાસિક શહેરમાં પ્રથમ વખત યોજાયેલી 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ' (કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર) માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં, મુકેશ અંબાણીએ સૌરાષ્ટ્રની પવિત્ર ધરતીને નમન કરતા જણાવ્યું હતું કે ગુજરાત રિલાયન્સનું શરીર, હૃદય અને આત્મા છે. તેમણે આ તબક્કે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પાંચ મહત્વપૂર્ણ સંકલ્પો જાહેર કર્યા હતા.

રોકાણ અને રોજગારીનો નવો અધ્યાય:
મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે રિલાયન્સ પહેલાથી જ ગુજરાતનું સૌથી મોટું રોકાણકાર છે. છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 3.5 લાખ કરોડનું રોકાણ કર્યા બાદ, હવે આગામી પાંચ વર્ષમાં આ રકમ બમણી કરીને રૂ. 7 લાખ કરોડ કરવામાં આવશે. આ વિશાળ રોકાણથી ગુજરાતમાં રોજગારી અને સંપત્તિના નવા સ્ત્રોતો ઊભા થશે.

ગ્રીન એનર્જી અને ક્લીન એનર્જી હબ:
જામનગરમાં વિશ્વની સૌથી મોટી સંકલિત ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહી છે. જામનગર, જે અત્યાર સુધી હાઈડ્રોકાર્બન નિકાસ માટે જાણીતું હતું, તે હવે ગ્રીન એનર્જી અને મટીરીયલ્સનો ભારતનો સૌથી મોટો નિકાસકાર બનશે. ઉપરાંત, કચ્છમાં મલ્ટી-ગીગાવોટ યુટિલિટી-સ્કેલ સોલર પ્રોજેક્ટ સ્થાપીને કચ્છને વૈશ્વિક ક્લીન એનર્જી હબ બનાવવામાં આવશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં ગુજરાત અગ્રેસર:
રિલાયન્સ જામનગરમાં ભારતનું સૌથી મોટું 'AI-રેડી ડેટા સેન્ટર' સ્થાપી રહ્યું છે. જિયો દ્વારા એક પીપલ-ફર્સ્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે, જેનાથી ગુજરાત અને ભારતના દરેક નાગરિક પોતાની ભાષામાં AI સેવાઓનો ઉપયોગ કરી શકશે.

રમતગમત અને સામાજિક વિકાસ:
વડાપ્રધાનના વર્ષ 2036ના ઓલિમ્પિક્સ અમદાવાદમાં લાવવાના વિઝનને ટેકો આપતા રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરશે. આ અંતર્ગત નારણપુરા ખાતેના 'વીર સાવરકર મલ્ટી-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ'નું સંચાલન રિલાયન્સ દ્વારા કરવામાં આવશે, જેથી ભાવિ ચેમ્પિયન્સને તાલીમ મળી શકે. આ ઉપરાંત, જામનગરમાં વિશ્વસ્તરીય હોસ્પિટલની સ્થાપના અને શૈક્ષણિક સુવિધાઓના વિસ્તરણની પણ જાહેરાત કરવામાં આવી હતી.

ભાવુક સંબોધન:
પોતાના સંબોધનની શરૂઆત ‘જય સોમનાથ’ થી કરતા શ્રી અંબાણીએ જણાવ્યું કે તેમના પિતા પૂજ્ય ધીરુભાઈ અંબાણી સૌરાષ્ટ્રની ધરતીના પુત્ર હતા અને તેમનો જન્મ ચોરવાડમાં થયો હતો. તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે ભારત પાસે નરેન્દ્રભાઈ મોદી રૂપી અભેદ રક્ષણાત્મક દીવાલ છે, જે વૈશ્વિક પડકારો સામે દેશને સુરક્ષિત રાખે છે.

(8:42 PM IST)