<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

રાજકોટના આંગણે 'વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર'નો શંખનાદ: પીએમ મોદીએ કરાવ્યો ભવ્ય પ્રારંભ, 18,000 ચોરસ મીટરમાં દેખાયું બદલાતા ભારતનું ચિત્ર

મારવાડી યુનિવર્સિટી ખાતેથી વૈશ્વિક મહત્વકાંક્ષાઓને મળી નવી પાંખો: વડાપ્રધાને પાંચ દિવસીય મેગા બિઝનેસ એક્ઝિબિશન ખુલ્લું મૂક્યું, રિલાયન્સ-એસ્સારથી લઈને હસ્તકલાના કારીગરો સુધીની અદભૂત જુગલબંધી - મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીની હાજરીમાં સૌરાષ્ટ્ર-કચ્છની ઔદ્યોગિક તાકાતનું પ્રદર્શન

રાજકોટ:રંગેલું રાજકોટ આજે આંતરરાષ્ટ્રીય સ્તરની ઔદ્યોગિક ક્રાંતિનું સાક્ષી બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના મંત્રને સાકાર કરવા માટે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતેથી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર-કચ્છ’નો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેગા બિઝનેસ એક્ઝિબિશનમાં જ્યારે પીએમ મોદી પહોંચ્યા ત્યારે વાતાવરણમાં ઉત્સાહનો ગુંજારવ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની નિશ્રામાં આયોજિત આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનો એક સીમાચિહ્નરૂપ પ્રયાસ માનવામાં આવે છે.

૧૮,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું આ પ્રદર્શન જાણે આધુનિક ભારતનું પ્રતિબિંબ હોય તેવું લાગી રહ્યું હતું. પીએમ મોદીએ ‘એન્ટરપ્રાઈઝ એક્સેલન્સ પેવેલિયન’ માં હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL) થી લઈને જ્યોતી સી.એન.સી. જેવા દિગ્ગજ એકમોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. તેમણે ન્યારા એનર્જી અને એસ્સાર દ્વારા રજૂ કરાયેલા આર્થિક વિકાસના મોડેલ્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તકે વડાપ્રધાને ગુજરાતની ઔદ્યોગિક તાકાતને બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાતની ટેકનોલોજીકલ પ્રગતિ હવે માત્ર રાજ્ય પૂરતી સીમિત નથી રહી પણ તે દેશના જીડીપીમાં મોટું યોગદાન આપી રહી છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિશાળ દરિયાકિનારાની ક્ષમતાઓને ઉજાગર કરતા ‘ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ પેવેલિયને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા બ્લુ ઈકોનોમી અને રિલાયન્સ ન્યૂ એનર્જીના નવીનત્તમ પ્રોજેક્ટ્સની રજૂઆતે ભવિષ્યના ઊર્જા સ્ત્રોતોની ઝાંખી કરાવી હતી. આ પ્રદર્શનમાં માત્ર મોટા ઉદ્યોગો જ નહીં, પરંતુ ‘હર ઘર સ્વદેશી’ના મંત્ર સાથે નાના કારીગરોને પણ પૂરતું મહત્વ આપવામાં આવ્યું છે. વડાપ્રધાને સ્વદેશી હાટમાં ગ્રામીણ કલાકારોની હસ્તકલા નિહાળી હતી અને કારીગરો સાથે વાતચીત કરી તેમની કલાને પ્રોત્સાહન આપ્યું હતું.

આ પાંચ દિવસીય બિઝનેસ કુંભ ૧૫મી જાન્યુઆરી સુધી ચાલવાનો છે, જે માત્ર ઉદ્યોગપતિઓ જ નહીં પણ વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે પણ જ્ઞાનનો ભંડાર બની રહેશે. ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના લક્ષ્યને હાંસલ કરવા માટે સૌરાષ્ટ્રના એન્જિનિયરિંગ હબ અને કચ્છની સંસાધન ક્ષમતાનો સમન્વય કેવી રીતે કરી શકાય તેની બ્લુપ્રિન્ટ અહીં જોવા મળી રહી છે. ઉદ્ઘાટન સમારોહ બાદ પીએમ મોદીએ બુક રિવ્યુમાં પોતાના પ્રતિભાવો પણ નોંધ્યા હતા. આ આયોજનથી સૌરાષ્ટ્ર-કચ્છના MSME સેક્ટરને વિદેશી રોકાણકારો સાથે સીધો સંવાદ કરવાની તક મળશે, જે આગામી સમયમાં રોજગારીની નવી તકો ઉભી કરશે.

(3:34 PM IST)