<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

દુનિયા પર તોળાઈ રહ્યો છે મહાવિનાશનો ખતરો? 51 વર્ષ બાદ અમેરિકાનું રહસ્યમય 'ડૂમ્સ ડે' વિમાન લોસ એન્જલસમાં લેન્ડ થયું

પરમાણુ યુદ્ધ કે પ્રલય સમયે હવામાં જ 'પેન્ટાગોન' બની જતું E-4B નાઇટવોચ એરપોર્ટ પર દેખાતા સનસનાટી: ઈરાન અને વેનેઝુએલા સાથેના તણાવ વચ્ચે ટ્રમ્પના 'હવાઈ કિલ્લા'એ આંતરરાષ્ટ્રીય સ્તરે જગાવી યુદ્ધની આશંકા – જાણો શા માટે આ વિમાનનું દેખાવું એ દુનિયા માટે છે ભયજનક સંકેત

લોસ એન્જલસ:અમેરિકાના આકાશમાં હાલમાં કંઈક એવું જોવા મળ્યું છે જેણે સમગ્ર વિશ્વના સંરક્ષણ નિષ્ણાતોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. 51 વર્ષના લાંબા ગાળા બાદ અમેરિકાનું સૌથી ગુપ્ત અને શક્તિશાળી ગણાતું 'ડૂમ્સ ડે' (Doomsday) વિમાન લોસ એન્જલસના મુખ્ય એરપોર્ટ પર લેન્ડ થતું જોવા મળ્યું છે. સામાન્ય રીતે આ વિમાન માત્ર લશ્કરી હવાઈ મથકો પર જ જોવા મળે છે, પરંતુ જાહેર એરપોર્ટ પર તેનું આગમન એ વાતનો પુરાવો છે કે પડદા પાછળ કંઈક મોટું રંધાઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક તેવર અને ઈરાન-વેનેઝુએલા પરના હુમલાની આશંકાઓ વચ્ચે આ વિમાનનું હવામાં દેખાવું એ કયામતના દિવસના પદધ્વનિ સમાન માનવામાં આવે છે.

આ વિમાનનું સત્તાવાર નામ E-4B 'નાઇટવોચ' છે, પરંતુ દુનિયા તેને 'ફ્લાઈંગ પેન્ટાગોન' તરીકે ઓળખે છે. આ કોઈ સામાન્ય લડાયક વિમાન નથી, પરંતુ એક ઉડતું કમાન્ડ સેન્ટર છે. જો પૃથ્વી પર પરમાણુ યુદ્ધ ફાટી નીકળે અને જમીન પરના તમામ લશ્કરી મથકો નાશ પામે, તો પણ અમેરિકી રાષ્ટ્રપતિ આ વિમાનમાં બેસીને હવામાંથી જ આખા દેશની સેના અને પરમાણુ મિસાઈલોનું સંચાલન કરી શકે છે. આ વિમાન પરમાણુ વિસ્ફોટ પછી પેદા થતા ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ (EMP) ને પણ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. તેની સુરક્ષા માટે તેમાં બારીઓ પણ રાખવામાં આવી નથી, જેથી કિરણોત્સર્ગથી બચી શકાય.

ઐતિહાસિક રીતે જ્યારે પણ આ 'ડૂમ્સ ડે' વિમાન હવામાં દેખાયું છે, ત્યારે દુનિયામાં કોઈ મોટી હોનારત સર્જાઈ છે. છેલ્લે ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના આતંકવાદી હુમલા સમયે આ વિમાન વોશિંગ્ટન ડીસીના આકાશમાં ચક્કર મારતું જોવા મળ્યું હતું. શીત યુદ્ધ દરમિયાન રશિયાના પરમાણુ ખતરા સામે લડવા માટે બનાવાયેલું આ વિમાન ૨૪ કલાક હવામાં રહેવાની ક્ષમતા ધરાવે છે. ૬ જાન્યુઆરીએ નેબ્રાસ્કાથી ઉડેલું આ પ્લેન વોશિંગ્ટન થઈને લોસ એન્જલસ પહોંચ્યું ત્યારે સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થયા હતા. લોકોમાં ફફડાટ છે કે શું અમેરિકા કોઈ મોટા પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે?

જોકે, નિષ્ણાતોનું એક જૂથ એવું પણ માને છે કે આ વિમાન રાષ્ટ્રપતિની વિદેશ યાત્રાના બેકઅપ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. પરંતુ જે રીતે હાલમાં મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે, તે જોતા 'નાઇટવોચ'નું સક્રિય થવું એ માત્ર સંયોગ ન હોઈ શકે. આ વિમાન પોતે કોઈ શસ્ત્ર નથી છોડતું, પરંતુ તે દુનિયાના સૌથી વિનાશક શસ્ત્રોને નિયંત્રિત કરવાની શક્તિ ધરાવે છે. હાલમાં અમેરિકાએ આ મુવમેન્ટ પર કોઈ સત્તાવાર પુષ્ટિ આપી નથી, પરંતુ લોસ એન્જલસના રનવે પર ઉતરેલો આ 'હવાઈ કિલ્લો' અત્યારે વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(3:07 PM IST)