<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૯મી જન્મજયંતિ: નરેન્દ્રભાઈ ૨૩ જાન્યુઆરીએ આંદામાન અને નિકોબાર ટાપુઓની મુલાકાત લેશે

આ ખાસ પ્રસંગે વડાપ્રધાનની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને આંદામાન અને નિકોબાર વહીવટીતંત્ર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૩ જાન્યુઆરીના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓની મુલાકાત લે તેવી શક્યતા છે. 

આ દિવસે આઝાદ હિંદ ફોજના સ્થાપક અને મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૯મી જન્મજયંતિની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવનાર છે. 

સત્તાવાર સૂત્રો દ્વારા રવિવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, વડાપ્રધાનશ્રી આ ટાપુઓ પર આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈને નેતાજીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

ભારત સરકાર દ્વારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાનની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને આંદામાન અને નિકોબાર વહીવટીતંત્ર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નેતાજીના જીવન અને બલિદાનને સમર્પિત રાષ્ટ્રીય સ્મારક કે અન્ય વિકાસલક્ષી પ્રકલ્પોની સમીક્ષા અથવા લોકાર્પણ કરે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ અગાઉ પણ આંદામાનના ટાપુઓના નામ બદલીને નેતાજી અને પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવ્યા હતા. 

૨૩ જાન્યુઆરીના રોજ યોજાનારા આ કાર્યક્રમોમાં દેશભક્તિનો માહોલ જોવા મળશે, જેમાં વડાપ્રધાન દેશના યુવાનોને નેતાજીના આદર્શો પર ચાલવા માટે પ્રેરણા પૂરી પાડી શકે છે. હાલમાં સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ એજન્સીઓ કાર્યરત થઈ ગઈ છે.

(2:29 PM IST)