News of Sunday, 11th January 2026
યુપીમાં કોંગ્રેસનું 'ઓપરેશન 2027': પ્રિયંકા ગાંધીના જન્મદિવસે થશે રણનીતિનું શંખનાદ, 20 શહેરોમાં એકસાથે ફૂંકાશે ચૂંટણી બ્યુગલ
મિશન-100 ડેઝના એજન્ડા સાથે મેદાને ઉતરશે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ: વાયનાડથી સાંસદ બન્યા બાદ પ્રિયંકાની સક્રિયતા વધતા કાર્યકરોમાં નવો જોશ, અયોધ્યાથી લખનૌ સુધી પત્રકાર પરિષદોનો ધમધમાટ - શું પ્રિયંકા બનશે 2027 ના મહાસંગ્રામનો મુખ્ય ચહેરો?

લખનૌ:ઉત્તર પ્રદેશની રાજકીય પિચ પર ૨૦૨૭ના વિધાનસભા જંગ માટે અત્યારથી જ ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ પાર્ટીએ આ વખતે વહેલી શરૂઆત કરતા 'મિશન-27' માટે કમર કસી લીધી છે. ૧૨ જાન્યુઆરીએ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો જન્મદિવસ છે અને આ દિવસને પાર્ટીએ એક મોટા રાજકીય ઉત્સવ અને રણનીતિના પ્રારંભ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ રાજ્યના તમામ ૨૦ વિભાગીય મુખ્યાલયો પર એકસાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને આગામી ૧૦૦ દિવસનો રોડમેપ જનતા સમક્ષ મૂકશે. આ રણનીતિ પાછળનો હેતુ ભાજપ અને સમાજવાદી પાર્ટીના ગઢમાં ગાબડું પાડીને કોંગ્રેસને મુખ્ય ધારામાં લાવવાનો છે.
યુપી કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ જાહેરાત કરી છે કે અયોધ્યા, પ્રયાગરાજ, ગોરખપુર, કાનપુર, લખનૌ અને વારાણસી સહિતના મહત્ત્વના શહેરોમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આગામી ૧૦૦ દિવસની કાર્ય યોજના રજૂ કરશે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી હાલ વિદેશ પ્રવાસ પર હોવાથી તેઓ રૂબરૂ હાજર રહેશે નહીં, તેમ છતાં સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ તેમની રાજકીય છબી જ રહેશે. પક્ષના કાર્યકરોમાં એવી ચર્ચા છે કે પ્રિયંકાને ફરી એકવાર ઉત્તર પ્રદેશના કેન્દ્રીય ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને વર્ષોથી ખોવાયેલો જનાધાર પાછો મેળવી શકાય.
તાજેતરમાં વાયનાડ પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને સાંસદ બન્યા બાદ પ્રિયંકા ગાંધીનું પક્ષમાં કદ વધ્યું છે. આસામ વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી બાદ હવે તેઓ ફરીથી ઉત્તર પ્રદેશ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોય તેવું જણાય છે. છેલ્લા બે વર્ષથી સંગઠનાત્મક જવાબદારીઓથી થોડા દૂર રહેલા પ્રિયંકાની આ સક્રિયતા ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. ૧૦૦ દિવસના આ એજન્ડામાં સંગઠનને મજબૂત કરવાથી લઈને જનતાના પાયાના પ્રશ્નો ઉઠાવવા સુધીની રણનીતિ સામેલ છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે કોંગ્રેસ આ વખતે માત્ર 'સલાહકાર' ભૂમિકામાં રહેવા નથી માંગતી, પરંતુ ૨૦૨૭ માં સત્તાના દાવેદાર તરીકે ઉભરવા માંગે છે. પ્રિયંકા ગાંધીના જન્મદિવસ પર યોજાનારી આ કવાયત સાબિત કરે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ હવે ઉત્તર પ્રદેશમાં કોઈ કચાશ રાખવા માંગતું નથી. મથુરાથી લઈને ગાઝિયાબાદ સુધીના આયોજિત કાર્યક્રમો દ્વારા કોંગ્રેસ એક પ્રેરક સંદેશ આપવાનો પ્રયાસ કરશે કે પાર્ટી હવે લડવા માટે તૈયાર છે. હવે જોવાનું એ રહેશે કે ૧૦૦ દિવસનો આ 'બ્લુપ્રિન્ટ' જમીન પર કેટલો પ્રભાવી સાબિત થાય છે અને વિરોધ પક્ષો તેની કેવી પ્રતિક્રિયા આપે છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
