<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

દિલ્હીમાં ડિજિટલ ડાકુઓનો આતંક: અમેરિકાથી પરત ફરેલા NRI ડૉક્ટર દંપતીની 18 દિવસ સુધી 'ડિજિટલ ધરપકડ', ₹14.85 કરોડ લૂંટાયા

યુએન (UN) માં સેવા આપી ચૂકેલા નિવૃત્ત દંપતીને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી રખાયા કેદ: હાઈટેક ઠગ ટોળકીએ વીડિયો કોલ પર દિવસ-રાત નજર રાખી આઠ બેંક ખાતા ખાલી કરાવ્યા, પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ખબર પડી કે જીવનભરની કમાણી સાયબર માફિયાઓ હડપી ગયા

નવી દિલ્હી:દેશની રાજધાનીમાં સાયબર ક્રાઈમની અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકામાં 48 વર્ષ સુધી ડૉક્ટર તરીકે સેવા આપી 2015માં ભારત પરત ફરેલા NRI દંપતી ડૉ. ઓમ તનેજા અને ડૉ. ઈન્દિરા તનેજા સાથે ₹14.85 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. 24 ડિસેમ્બરના રોજ એક અજાણ્યા કોલથી શરૂ થયેલો આ ખેલ 10 જાન્યુઆરી સુધી ચાલ્યો હતો. ઠગોએ પોતાની જાતને તપાસ એજન્સીના અધિકારીઓ ગણાવી દંપતીને રાષ્ટ્રીય સુરક્ષા અને મની લોન્ડરિંગના ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ગભરાયેલા વૃદ્ધ દંપતીને તેમના જ ઘરમાં 18 દિવસ સુધી 'ડિજિટલ ધરપકડ' હેઠળ રાખવામાં આવ્યા હતા.

આ હાઈટેક લૂંટની રીત એટલી ખતરનાક હતી કે ઠગો વીડિયો કોલ દ્વારા દંપતી પર સતત 24 કલાક નજર રાખતા હતા. જ્યારે ડૉ. ઈન્દિરા તનેજા બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવા જતાં ત્યારે તેમના પતિ ડૉ. ઓમ તનેજાને વીડિયો કોલ પર રાખીને બધું જ અવલોકન કરવામાં આવતું હતું જેથી તેઓ કોઈને જાણ ન કરી શકે. સાયબર માફિયાઓએ PMLA એક્ટનો ડર બતાવી દંપતી પાસે અલગ-અલગ આઠ બેંક ખાતાઓમાં કુલ ₹14.85 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આશ્ચર્યની વાત એ છે કે બેંક મેનેજરના પૂછવા છતાં, ઠગોએ શીખવાડેલી વાતોને કારણે દંપતી સત્ય કહી શક્યું નહીં.

આ સમગ્ર મામલાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે 10 જાન્યુઆરીએ ઠગોએ વધુ પડતા આત્મવિશ્વાસમાં આવીને ડૉ. ઈન્દિરા તનેજાને સ્થાનિક પોલીસ સ્ટેશન જઈને આરબીઆઈ (RBI) પાસેથી પૈસા પરત લેવાની પ્રક્રિયા પૂરી કરવા કહ્યું. ડૉ. ઈન્દિરા જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પણ ઠગો વીડિયો કોલ પર ચાલુ હતા. હદ તો ત્યારે થઈ જ્યારે આ સાયબર ગુનેગારોએ પોલીસ સ્ટેશનના એસએચઓ (SHO) સાથે પણ વીડિયો કોલ પર અભદ્ર વર્તન કર્યું. પોલીસની હાજરીમાં જ્યારે વાસ્તવિકતા સામે આવી ત્યારે દંપતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કે તેઓ કોઈ કાયદાકીય ગૂંચમાં નહીં પણ માતબર રકમની છેતરપિંડીનો શિકાર બન્યા છે.

દિલ્હી પોલીસના ઇતિહાસમાં આટલી મોટી રકમની વ્યક્તિગત સાયબર છેતરપિંડીની ઘટનાએ સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે. મામલાની ગંભીરતા અને રકમની વિશાળતા જોતા તપાસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાયબર યુનિટ IFSO ને સોંપવામાં આવી છે. પોલીસ હવે એ આઠ બેંક ખાતાઓની વિગતો અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની તપાસ કરી રહી છે જ્યાં પૈસા ટ્રાન્સફર થયા હતા. અમેરિકાથી નિવૃત્ત થઈને વતનમાં સમાજસેવા કરવા આવેલા આ વૃદ્ધ દંપતી સાથે થયેલી આ ક્રૂર ઘટનાએ ડિજિટલ સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

(1:22 PM IST)