તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th January 2026
ગોરેગામમાં મધરાતે કાળમુખા ફ્રિજમાં ધડાકો: આગના ગોળામાં લપેટાયું ઘર, બે સંતાનો સાથે પિતા જીવતા ભૂંજાઈ જતાં અરેરાટી
ભગતસિંહનગરની ચાલમાં સર્જાયો કમકમાટીભર્યો અગ્નિકાંડ: થોડા દિવસ પહેલા જ રિપેર થઈને આવેલા ફ્રિજમાં શોર્ટ સર્કિટ થતા સર્જાયો બ્લાસ્ટ, સીડીઓ આગની ઝપેટમાં આવતા ઉપરના માળે સૂતેલા પિતા-પુત્રી અને પુત્ર માટે રૂમ બની ગઈ 'મોતનો કૂવો'

મુંબઈ:મુંબઈના ગોરેગામ વેસ્ટમાં શુક્રવારની મધરાત એક હસતા-રમતા પરિવાર માટે કાળી સાબિત થઈ છે. ભગતસિંહનગરની રાજારામ લેનમાં આવેલા એક ગ્રાઉન્ડ પ્લસ વન માળના મકાનમાં રાત્રે ૧.૩૦ વાગ્યે થયેલા એક પ્રચંડ ધડાકાએ આખા વિસ્તારને ધ્રૂજાવી દીધો હતો. ઘરમાં રાખેલું ફ્રિજ, જે હજુ હમણાં જ રિપેર થઈને આવ્યું હતું, તેમાં ગેસ લીકેજ અથવા વાયરિંગની ખામીને કારણે જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ધડાકા સાથે જ આખું ઘર આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું હતું. દુર્ઘટના સમયે પરિવાર ગાઢ નિદ્રામાં હતો, જેમને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ તેમની જિંદગીની છેલ્લી રાત હશે.
આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘરના નીચેના રસોડાના ભાગમાંથી ઉપરના માળે જતી સીડીઓ જ આગની લપેટમાં આવી ગઈ હતી. ઉપરના માળે સૂતેલા ૧૨ વર્ષનો માસૂમ દીકરો, ૧૯ વર્ષની જુવાનજોધ દીકરી અને તેમના પપ્પા બહાર નીકળવાનો રસ્તો શોધવા મથામણ કરતા રહ્યા, પરંતુ આગના ગોટા અને ઝેરી ધુમાડાએ તેમને ચારેબાજુથી ઘેરી લીધા હતા. નીચેથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો આગની જ્વાળાઓથી બંધ થઈ જતાં આ ત્રણેય સભ્યો રૂમમાં જ ફસાઈ ગયા હતા અને જોતજોતામાં જીવતા ભૂંજાઈ ગયા હતા. પાડોશીઓએ ડોલ ભરી-ભરીને પાણી રેડી આગ બુઝાવવા આકાશી જહેમત ઉઠાવી હતી, પણ વિધિના લેખ કંઈક અલગ જ હતા.
ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી વીજ પુરવઠો કાપીને અંદર પ્રવેશ કર્યો ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા. દાઝેલી હાલતમાં ત્રણેયને જોગેશ્વરીની ટ્રોમા કેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. કુદરતનો કરિશ્મા કહો કે સંયોગ, મૃતકની પત્ની અને એક દીકરી તે રાત્રે કોઈ કારણસર ઘરે હાજર નહોતા, જેને કારણે તેમનો જીવ બચી ગયો હતો. પરંતુ સવારે ઘરે પરત ફરતા જ આખા પરિવારનો માળો વિખેરાઈ ગયેલો જોઈ આ બંને સ્ત્રીઓ પર આભ ફાટી પડ્યું હતું.
પ્રાથમિક તપાસમાં પોલીસ અને ફાયર વિભાગે જણાવ્યું છે કે ફ્રિજમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ચાલ જેવી સાંકડી ગલીઓમાં આવેલા મકાનોમાં વેન્ટિલેશનના અભાવે ધુમાડો જલ્દી બહાર નીકળી શકતો નથી, જે આ કિસ્સામાં જીવલેણ સાબિત થયો. આ ઘટનાએ ફરી એકવાર ઘરગથ્થુ વીજ ઉપકરણોના સમારકામમાં રખાતી બેદરકારી સામે લાલબત્તી ધરી છે. હાલમાં ગોરેગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ ભગતસિંહનગરના રહીશો હજુ પણ એ રાતના ચિત્કાર અને ધડાકાની દહેશતમાંથી બહાર આવી શક્યા નથી.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
