<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

અમેરિકા દ્વારા સીરિયામાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસન અનેક કૅમ્પો ઉપર ભીષણ હવાઈ હુમલા: 'ઓપરેશન હોકઆય સ્ટ્રાઈક' શરૂ: આતંકવાદી સંગઠનની ફરી બેઠા થવાની ક્ષમતાને ખતમ કરવાની નેમ

સીરિયાના પાલમાયરામાં આઈએસઆઈએસ આતંકવાદીઓ દ્વારા અમેરિકી સૈનિકો પર કરવામાં આવેલા હુમલામાં નિર્દોષો અને ૨ અમેરિકી સૈનિકોના જીવ ગયા હતા, તેનો બદલો લેવાયો

અમેરિકી સેનાએ સીરિયામાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના અનેક ઠેકાણાઓ પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહીને 'ઓપરેશન હોકઆય સ્ટ્રાઈક' નામ આપવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય આતંકવાદી નેટવર્કને નષ્ટ કરવાનો છે.

 

અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, રવિવારે વહેલી સવારે સીરિયામાં આઈએસઆઈએસના અનેક કેમ્પોને નિશાન બનાવીને આ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. 

 

અમેરિકી વાયુસેનાના લડાયક વિમાનોએ આતંકવાદીઓના છુપાયેલા અડ્ડાઓ પર સચોટ મારો ચલાવ્યો હતો. આ હુમલાઓ ગત મહિને પાલમાયરામાં અમેરિકી સૈનિકો પર થયેલા ઘાતક હુમલાના જવાબમાં કરવામાં આવ્યા છે. 

 

સંરક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનનો મુખ્ય હેતુ ક્ષેત્રમાં આતંકવાદી સંગઠનની ફરી બેઠા થવાની ક્ષમતાને ખતમ કરવાનો અને અમેરિકી તથા ગઠબંધન દળોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

 

અમેરિકાએ સીરિયામાં કરેલી આક્રમક કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ ગત મહિને આતંકવાદીઓ દ્વારા અમેરિકી સૈનિકો પર કરવામાં આવેલો હુમલો છે, જેમાં નિર્દોષો અને સૈનિકોના જીવ ગયા હતા.

 

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સીધા આદેશ બાદ 'ઓપરેશન હોકઆય સ્ટ્રાઈક' હાથ ધરવામાં આવ્યું હતું. 

 

ડિસેમ્બર ૨૦૨૫ માં સીરિયાના પાલમાયરામાં આઈએસઆઈએસ દ્વારા કરવામાં આવેલા ઓચિંતા હુમલામાં બે અમેરિકી સૈનિકો અને એક દુભાષિયાનું મોત થયું હતું. આ ઘટનાનો બદલો લેવા અને આતંકવાદીઓને કડક સંદેશ આપવા માટે આ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. 

 

અમેરિકી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આતંકવાદી ખતરો સંપૂર્ણપણે નાબૂદ નહીં થાય ત્યાં સુધી તેમની કાર્યવાહી ચાલુ રહેશે. આ હુમલામાં આતંકવાદીઓના શસ્ત્રાગારો અને તાલીમ કેન્દ્રોને ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો છે.

(12:59 PM IST)