<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

વૃંદાવનમાં સંત પ્રેમાનંદજી મહારાજના નિવાસસ્થાને ભીષણ આગ: મધરાતે મચી ચીસાચીસ, શિષ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

શ્રી કૃષ્ણ શરણમ સોસાયટીના ગોવિંદા બ્લોકમાં રહસ્યમય સંજોગોમાં ફાટી નીકળી આગ: ફ્લેટ નંબર 212 માંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા રહીશોમાં ફફડાટ, તપાસ કરવા ગયેલી પોલીસ અને મીડિયા સાથે બાબાના શિષ્યોએ કર્યું અભદ્ર વર્તન

વૃંદાવન:ભક્તિ અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન પવિત્ર વૃંદાવન ધામમાં શનિવારની મધરાતે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વૃંદાવનના છટીકારા રોડ પર આવેલી જાણીતી શ્રી કૃષ્ણ શરણમ રહેણાંક સોસાયટીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચોંકાવનારી વિગત એ છે કે આ એ જ ફ્લેટ છે જ્યાં પ્રખ્યાત સંત પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ થોડા મહિના પહેલા નિવાસ કરતા હતા. હાલમાં આ ફ્લેટમાં તેમના શિષ્યો રહે છે. મધરાતે જ્યારે સોસાયટીના રહીશો નિદ્રાધીન હતા, ત્યારે અચાનક લાગેલી આગને કારણે બિલ્ડિંગમાં ધુમાડો ભરાઈ જતાં લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા હતા.

ઘટના સમયે ફ્લેટની અંદર માત્ર એક જ નોકર હાજર હતો, જે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગનું કારણ હજુ સુધી રહસ્યના દાયરામાં છે. સ્થાનિક પડોશીઓએ જ્યારે ફ્લેટમાંથી તીવ્ર સળગતી ગંધ અનુભવી ત્યારે તેઓએ બૂમાબૂમ કરી સૌને જગાડ્યા હતા. બિલ્ડિંગના ગોવિંદા બ્લોકમાં લાગેલી આ આગને કારણે અન્ય રહીશોમાં વ્યાપક ભય ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ફ્લેટની અંદરની ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું હતું.

આ ઘટનામાં સૌથી વધુ વિવાદ બાબાના શિષ્યોના વર્તનને લઈને સર્જાયો છે. આગની માહિતી મળતા જ્યારે પોલીસ અધિકારીઓ અને મીડિયા કર્મચારીઓ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે અનુયાયીઓએ તેમને અંદર જતા રોક્યા હતા. શિષ્યોએ કોઈને પણ ફ્લેટની નજીક જવા દીધા ન હતા અને પોલીસ સાથે ઉગ્ર દલીલો કરી અભદ્ર વર્તન કર્યું હોવાના અહેવાલ છે. આગ કેવી રીતે લાગી તે અંગે શિષ્યોએ કોઈ પણ સ્પષ્ટ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેને કારણે આ અગ્નિકાંડ પાછળ કોઈ શંકાસ્પદ કારણ હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે.

હાલમાં વૃંદાવન પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે, પરંતુ શિષ્યોના રહસ્યમય મૌન અને પોલીસ સાથેના ઘર્ષણને કારણે તપાસની દિશા બદલાઈ શકે છે. પ્રેમાનંદજી મહારાજના અનુયાયીઓ મોટી સંખ્યામાં હોવાથી સોસાયટીની આસપાસ લોકોના ટોળા ઉમટ્યા હતા. સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવીને સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે. વહીવટીતંત્ર હવે એ તપાસી રહ્યું છે કે હાઈરાઈઝ સોસાયટીમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત હતા કે નહીં અને આ આગ પાછળ કોઈ માનવીય ભૂલ જવાબદાર છે કે કેમ.

(12:54 PM IST)