તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th January 2026
ઈરાન બન્યું કતલખાનું: તેહરાનની હોસ્પિટલોમાં લાશોના ઢગલા, સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓની આંખોમાં મારી ગોળીઓ
ઈન્ટરનેટ બ્લેકઆઉટ વચ્ચે ઈરાનમાં માનવતા મરી પરવારી: 100થી વધુ શહેરોમાં ફાટી નીકળેલી હિંસામાં સેંકડોના મોત, ડોક્ટરોએ વર્ણવી રૂંવાડા ઉભા કરી દે તેવી ભયાનકતા - "એક રાતમાં 300થી વધુ લોકોએ આંખો ગુમાવી"

તેહરાન: ઈરાનમાં આર્થિક કટોકટી અને મોંઘવારી સામે શરૂ થયેલું આંદોલન હવે લોહિયાળ ક્રાંતિમાં ફેરવાઈ ગયું છે. ઈરાની સરકારે વિરોધને દબાવવા માટે દેશભરમાં ઈન્ટરનેટ અને ફોન સેવાઓ કાપી નાખી છે, પરંતુ તેહરાનના રસ્તાઓ પરથી આવતા પ્રત્યક્ષદર્શીઓના અહેવાલો હચમચાવી નાખે તેવા છે. એક 60 વર્ષીય મહિલાએ રડતા અવાજે સીએનએનને જણાવ્યું કે તેણે હોસ્પિટલોના શબઘરમાં લાશોના ઢગલા જોયા છે. સુરક્ષા દળોએ કોઈ પણ ભેદભાવ વગર વૃદ્ધો અને યુવાનો પર સીધું ફાયરિંગ શરૂ કરી દીધું છે. પરિસ્થિતિ એવી છે કે ઈરાનના 100થી વધુ શહેરો અત્યારે સળગી રહ્યા છે અને રસ્તાઓ લોહીથી લથબથ છે.
હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો અને તબીબી સ્ટાફ માટે આ એક ક્યારેય ન પૂરો થતો દુઃસ્વપ્ન જેવો અનુભવ છે. શિકાગોના ડોક્ટર મોહમ્મદ લેસનપેઝાકીએ તેહરાનના તેમના સાથી ડોક્ટરોના હવાલે જણાવ્યું કે, ઇમરજન્સી વોર્ડમાં એક સાથે 30-30 લાશો આવી રહી છે. સૌથી ભયાનક દ્રશ્યો ફરાબી આંખની હોસ્પિટલમાં જોવા મળ્યા છે, જ્યાં લગભગ 200થી 300 એવા દર્દીઓ આવ્યા છે જેમની આંખોમાં સુરક્ષા દળોએ છરા અને ગોળીઓ મારી છે. નિશાબુર શહેરમાં તો સુરક્ષા દળોએ ઇમારતોની છત પર સ્નાઈપર્સ ગોઠવીને પ્રદર્શનકારીઓ પર ઉપરથી ગોળીબાર કર્યો હતો, જેમાં અનેક લોકોના કરુણ મોત નીપજ્યા છે.
માનવાધિકાર કાર્યકર્તાઓ આ હિંસાને 'નરસંહાર' ગણાવી રહ્યા છે. એક સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું કે તેણે પોતાની નજરે એક યુવતીને સુરક્ષા દળો દ્વારા ઈલેક્ટ્રિક ડિવાઈસથી ગળામાં આઘાત આપતા જોઈ હતી, જ્યાં સુધી તે બેભાન ન થઈ ગઈ. પ્રદર્શનકારીઓના જણાવ્યા મુજબ, સુરક્ષા દળો એટલા ક્રૂર બની ગયા છે કે ઘાયલ થયેલા 60 વર્ષના વૃદ્ધના પગમાં 40થી વધુ ગોળીઓ મારવામાં આવી હતી. અનેક હોસ્પિટલોમાં જગ્યા નથી અને મેડિકલ સ્ટાફ રાત-દિવસ કામ કરવા છતાં પહોંચી વળી રહ્યો નથી. ઈરાની જનતા હવે એક જ વાત કહી રહી છે કે, "આ સરકાર બાહ્ય દબાણ વગર શરણાગતિ સ્વીકારશે નહીં."
ઈરાનની આ અરાજકતાએ વૈશ્વિક સમુદાયને હચમચાવી દીધો છે. દક્ષિણના શહેર શિરાઝમાં એક મહિલાને માથામાં ગોળી વાગ્યા બાદ તેની સારવાર કરી રહેલા તબીબી કાર્યકર્તાએ કહ્યું કે, "મેં મારા આખા જીવનમાં ક્યારેય આવું બેશરમ કૃત્ય જોયું નથી." લોકોમાં ગુસ્સો એટલો છે કે ઈન્ટરનેટ બંધ હોવા છતાં વિરોધ પ્રદર્શનો અટકવાનું નામ નથી લઈ રહ્યા. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર હવે ઈરાનની ગલીએ ગલીએ ગુંજી રહ્યા છે. આ આંદોલન હવે માત્ર મોંઘવારીનું નથી રહ્યું, પરંતુ અસ્તિત્વની લડાઈ બની ગયું છે, જેમાં સામાન્ય નાગરિકો પોતાની આઝાદી માટે જીવની આહુતિ આપી રહ્યા છે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
