News of Sunday, 11th January 2026
ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાનો કહેર: ટાઈફોઈડના ૧૦૦થી વધુ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈએ તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો
નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન દ્વારા પણ આ બાબતે ગુજરાત સરકારને નોટિસ: નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ બેદરકારી બદલ ખુલાસો માંગ્યો: તંત્ર દ્વારા હાલમાં જે વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદ છે ત્યાં ટેન્કર દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવાની વ્યવસ્થા

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. દૂષિત પાણીના કારણે શહેરમાં ટાઈફોઈડના કેસોમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે ૧૦૦થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. આ ગંભીર પરિસ્થિતિની નોંધ લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થાનિક તંત્રને તાત્કાલિક ધોરણે પગલાં લેવા અને દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા કડક સૂચના આપી છે.
ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલ સહિતની ખાનગી હોસ્પિટલોમાં ૧૦૦થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
પ્રાથમિક તપાસમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ અથવા ગટરના પાણીનું મિશ્રણ થવાને કારણે આ રોગચાળો ફેલાયો હોવાનું અનુમાન છે. દર્દીઓની વધતી સંખ્યાને કારણે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે.
ગાંધીનગર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેમણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને યુદ્ધના ધોરણે પાણીની લાઈનોનું સમારકામ કરવા, પીવાના પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવા અને બીમાર લોકોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.
બીજી તરફ, નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એન.એચ.આર.સી.) દ્વારા પણ આ બાબતે ગુજરાત સરકારને નોટિસ પાઠવવામાં આવી છે અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ બેદરકારી બદલ ખુલાસો માંગ્યો છે. તંત્ર દ્વારા હાલમાં જે વિસ્તારોમાં પાણીની ફરિયાદ છે ત્યાં ટેન્કર દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને નાગરિકોને પાણી ઉકાળીને પીવા માટે અપીલ કરવામાં આવી છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
