<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

ટ્રમ્પના આદેશનો ઉલાળીયો: સૈન્ય અધિકારીઓના મતે આ આદેશ બંધારણીય મર્યાદાઓની બહારનો છે: વેનેઝુએલા બાદ હવે ગ્રીનલેન્ડ પર સેનાને હુમલાનો પ્લાન ઘડવા આદેશ આપતા અમેરિકામાં ખળભળાટ

પેન્ટાગોન અને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ટોચના જનરલોએ આ આદેશને ગેરકાયદેસર અને અત્યંત જોખમી ગણાવીને તેનું પાલન કરવાનો સાફ ઇનકાર કરી દીધો: ગ્રીનલેન્ડ ડેનમાર્ક નો ભાગ હોવાના નાતે નાટો'નું સભ્ય પણ છે.

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહીની સફળતા બાદ હવે ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ સ્થાપવા માટે સેનાને સક્રિય થવા આદેશ આપ્યો છે. જોકે, પેન્ટાગોન અને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ટોચના જનરલોએ આ આદેશને ગેરકાયદેસર અને અત્યંત જોખમી ગણાવીને તેનું પાલન કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે.

 

વેનેઝુએલામાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સફળ લશ્કરી કાર્યવાહી બાદ અમેરિકન પ્રશાસનનો આત્મવિશ્વાસ વધ્યો છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સેનાના 'જોઈન્ટ સ્પેશિયલ ઓપરેશન કમાન્ડ' (જેસોક) ને ગ્રીનલેન્ડ પર કબજો મેળવવા માટેના સૈન્ય વિકલ્પો તપાસવા અને હુમલાનો પ્લાન તૈયાર કરવા માટે તાકીદનો આદેશ આપ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ગ્રીનલેન્ડને વ્યૂહાત્મક અને સંસાધનોની દ્રષ્ટિએ અમેરિકા માટે મહત્વનું ગણાવી રહ્યું છે.

 

જોકે, વ્હાઇટ હાઉસના આ આદેશ સામે અમેરિકન સેનામાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અમેરિકન સેનાના સર્વોચ્ચ અધિકારીઓનું બનેલું જૂથ 'જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ' આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યું છે. લશ્કરી વડાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગ્રીનલેન્ડ એ ડેનમાર્કનો એક સ્વાયત્ત પ્રદેશ છે અને ડેનમાર્ક અમેરિકાનું મિત્ર રાષ્ટ્ર હોવાની સાથે 'નાટો' (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) નું સભ્ય પણ છે.

 

સેનાના ટોચના અધિકારીઓએ ચેતવણી આપી છે કે કોઈ મિત્ર દેશ પર સૈન્ય કાર્યવાહી કરવી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. જો અમેરિકા ગ્રીનલેન્ડ પર હુમલો કરે અથવા બળજબરીથી કબજો કરવાનો પ્રયાસ કરે, તો નાટો સંગઠનમાં ભંગાણ પડી શકે છે અને અમેરિકાના યુરોપિયન દેશો સાથેના સંબંધો કાયમ માટે બગડી શકે છે. 

 

સૈન્ય અધિકારીઓના મતે આ આદેશ બંધારણીય મર્યાદાઓની બહારનો છે, તેથી તેઓ આવા 'ગેરકાયદેસર' આદેશને માનવા માટે બંધાયેલા નથી. આમ, હાલમાં અમેરિકન પ્રમુખ અને સેના વચ્ચે ગંભીર ગતિરોધ સર્જાયો છે.

(10:49 AM IST)