News of Saturday, 10th January 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૧મીએ રાજકોટના પ્રવાસે: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન, ટ્રેડ શો તથા કોન્ફરન્સનો પ્રારંભ કરાવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રાદેશિક કોન્ફરન્સને ખુલ્લી મુકવામાં આવશે:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિવિધ થીમ પેવેલિયનની મુલાકાત લઈ પ્રદર્શકોને પ્રોત્સાહિત કરશે:કાર્યક્રમમાં પાણીની બોટલ, મોટા પર્સ, મોબાઈલ સિવાયના અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વગેરે નહીં લાવી શકાય

રાજકોટ:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૧મી જાન્યુઆરીએ રાજકોટના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા બપોરે મારવાડી યુનિવર્સિટી ખાતે ‘‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન કમ ટ્રેડ શો-કચ્છ અને સૌરાષ્ટ્ર’’નો પ્રારંભ કરાવાશે. ત્યારબાદ ‘‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-કચ્છ અને સૌરાષ્ટ્ર’’ને ખુલ્લી મુકવામાં આવશે. આ તકે દેશ-વિદેશના ચાર હજારથી વધુ આમંત્રિતો ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચ્યા બાદ સૌપ્રથમ પાંચ દિવસીય "વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન કમ ટ્રેડ શો"નો આરંભ કરાવશે. અહીં ૧૮ હજાર ચોરસ મીટરમાં છ થીમ પેવેલિયન બનાવવામાં આવ્યા છે. જેમાં ૪૫૦થી વધુ પ્રદર્શકો જોડાયા છે. વડાપ્રધાન વિવિધ થીમ પેવેલિયનની મુલાકાત લઈને પ્રદર્શકોને પ્રોત્સાહિત કરશે.
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્ય ડોમ ખાતેથી બે દિવસીય "વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ"નો પ્રારંભ કરાવશે. આ તકે તેઓ અહીં ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે. બાદમાં વિવિધ સેમિનાર્સ અને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં, ગુજરાત સરકાર દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાઓના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં જાપાન, સાઉથ કોરિયા, રવાન્ડા અને યુક્રેન કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા છે. જ્યારે ૪૦થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના સી.ઈ.ઓ. સમિટમાં સહભાગી થયા છે.
બે દિવસીય કોન્ફરન્સના પ્રથમ દિવસે ૦૮ તથા બીજા દિવસે ૪૧ મળીને કુલ ૫૦ જેટલા બિઝનેસ સેમિનાર્સ યોજવામાં આવશે. જે સૌરાષ્ટ્ર કચ્છના ૧૨ જિલ્લાઓના વિવિધ ક્ષેત્રના વિકાસની નવી દિશા કંડારશે.
આ તકે વિવિધ ક્ષેત્રોના કરોડો રૂપિયાના સમજૂતી કરાર પણ કરવામાં આવશે. કોન્ફરન્સના પ્રથમ દિવસે એગ્રીવેલ્યુ, મત્સ્યોદ્યોગના વિકાસ, બ્લુ એનર્જી તથા ગ્રીન ફ્યુચર, કાર્બનથી ક્રોપ્સ, તેલ તથા ગેસ ક્ષેત્રે ગુજરાતના પ્રભુત્વ, શિપ બિલ્ડિંગ, નારી શક્તિ જેવા વિષય પર સેમિનાર્સ, પેનલ ડિસ્કશન થશે. જ્યારે બીજા દિવસે બંદર વિકાસ, ઓટો અને પ્રિસિઝન એન્જિનિયરિંગ, સિરામિક ક્ષેત્ર, બ્લુ ઈકોનોમી, બાગાયત વિકાસ, એ.આઈ., ભવિષ્યના એમ.એસ.એમ.ઈ. માટેના કૌશલ્યો તથા સહયોગી ઉદ્યોગો, બ્લુ બાયો ઈકોનોમી, સંરક્ષણમાં આત્મનિર્ભરતા, સ્વચ્છ ઊર્જા, મિશન ૧૦૦ ગીગાવોટ વગેરે જેવા વિષયો પર સેમિનાર્સ થશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર ઈકોનોમિક રિજનનો માસ્ટર પ્લાન પણ જાહેર કરાશે.
વી.જી.આર.સી. સાથે ૧૧થી ૧૫ જાન્યુઆરી સુધી ‘‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન કમ ટ્રેડ શો’’ પણ યોજવામાં આવ્યો છે. મારવાડી યુનિ. પાસે કુલ ૨૬ હજાર ચોરસ મીટરમાં યોજાયેલા એક્ઝિબિશનમાં ૧૮ હજાર ચોરસ મીટરમાં ૦૬ થીમ પેવેલિયન બનાવવામાં આવ્યા છે. જેમાં (૧) ગેટવે ટુ ગ્લોબલ ગ્રોથ, (૨) ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ અને પેટ્રોકેમિકલ્સ, (૩) હસ્તકલા ગ્રામ અને એમ.એસ.એમ.ઈ. (૪) પેવેલિયન, ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, (૫) એન્ટરપ્રાઇઝ એક્સેલન્સ પેવેલિયન અને (૬) પબ્લિક સેક્ટર પાવરહાઉસની થીમ પર પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
આ એક્ઝિબિશન સાથે રિવર્સ બાયર્સ સેલર્સ મીટ (સૌરાષ્ટ્ર-કચ્છ) પણ યોજાશે. જેમાં વિવિધ ક્ષેત્રોના ૧૦૭ જેટલા આંતરરાષ્ટ્રીય ખરીદદારો તથા કુટીર ઉદ્યોગો માટેના ૨૦ રાષ્ટ્રીય ખરીદદારો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત બી-ટુ-બી તથા બી-ટુ-જી મીટિંગ્સ, ઉદ્યમી મેળા, ડેઇલી લકી ડ્રો, ફૂડ કોર્ટ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સ્થાનિક એમ.એસ.એમ.ઈ.ને વૈશ્વિક બજાર સાથે મજબૂત રીતે જોડવા વિશેષ વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ યોજવામાં આવશે. જેમાં આઈ.ઓ.સી.એલ., ઓ.એન.જી.સી., રેલવે જેવી મોટી કંપનીઓ પોતાની જરૂરિયાતો જણાવશે. જેનાથી સ્થાનિક ઉદ્યમીઓને પોતાના ઉત્પાદનો પૂરા પાડવાનો સોનેરી અવસર મળશે.
સહભાગીઓ, આમંત્રિતો કાર્યક્રમના બે કલાક પૂર્વે સ્થાન ગ્રહણ કરી લે તે ઇચ્છનીય
"વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ"માં મોટી સંખ્યામાં લોકો રહેનાર છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા અને પ્રોટોકોલનું પાલન કરતાં કોન્ફરન્સ તથા એક્ઝિબિશનના સહભાગીઓ, વહેલા આવીને ૧૦ વાગ્યા આસપાસ પોતાનું સ્થાન લઈ લે તે ઇચ્છનીય છે. સહભાગીઓ
પાણીની બોટલ, ફેંકી શકાય તેવી કોઈપણ વસ્તુ, કાળા કપડા, મોબાઈલ ફોન સિવાયના અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ, મોટા પર્સ, કોઈ અણીદાર વસ્તુઓ કે સામાન્ય રીતે કાયદાથી પ્રતિબંધિત વસ્તુઓ સાથે ન લાવે તે ઇચ્છનીય છે. સહભાગીઓ અને આમંત્રિતો આમંત્રણ પત્રિકા, આઈડેન્ટી કાર્ડ તેમજ વાહન પાસ સાથે જ પ્રવેશ મેળવે તે પણ હિતાવહ છે. પાન મસાલા, ધૂમ્રપાન વગેરે જેવી કોઈપણ વસ્તુ સાથે ના લાવવી. આમંત્રિત તથા સહભાગીઓ પોતાને ફાળવેલા સ્થાન પર રહે તેમજ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે તે જરૂરી છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
