<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

બાંગ્લાદેશ ક્રિકેટમાં ‘ગૃહયુદ્ધ’: દિગ્ગજ તમીમ ઇકબાલને ‘ઇન્ડિયન એજન્ટ’ કહેતા મચ્યો હોબાળો, કેપ્ટન નઝમુલ શાંતોએ BCB ડાયરેક્ટરને જાહેરમાં ખખડાવ્યા

વર્લ્ડ કપમાં રમવા અંગે તમીમે આપેલી સલાહ પર BCB અધિકારીએ પિત્તો ગુમાવ્યો; ખેલાડીઓએ બોર્ડ સામે બગાવત કરી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માફીની માંગ કરતા ક્રિકેટ જગત સ્તબ્ધ

ઢાકા: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ખેલાડીઓ વચ્ચેનો વિવાદ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે. બોર્ડના ડાયરેક્ટર અને ફાયનાન્સ કમિટીના અધ્યક્ષ એમ. નઝમુલ ઇસ્લામે પૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને ‘ઇન્ડિયન એજન્ટ’ (ભારતીય એજન્ટ) ગણાવતા બાંગ્લાદેશમાં ક્રિકેટનો દાવાનળ ફાટી નીકળ્યો છે. આ અપમાનજનક ટિપ્પણી બાદ વર્તમાન કેપ્ટન નઝમુલ હસન શાંતો સહિતના અનેક ખેલાડીઓ તમીમના સમર્થનમાં ઉતરી આવ્યા છે અને બોર્ડના અધિકારી સામે મોરચો માંડ્યો છે.
 તાજેતરમાં IPLમાંથી મુસ્તફિઝુર રહેમાનને BCCI દ્વારા મુક્ત કરવાનું કહેવામાં આવતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ રોષે ભરાયું હતું. આ દરમિયાન તમીમ ઇકબાલે એક ઇન્ટરવ્યુમાં સમજદારીપૂર્વક સલાહ આપી હતી કે, ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ માટે ભારત જવું કે નહીં તેનો નિર્ણય ભાવનાત્મક રીતે નહીં પણ ક્રિકેટના હિતમાં અને જવાબદારીપૂર્વક લેવો જોઈએ. તમીમની આ તાર્કિક વાત પર ગુસ્સે ભરાયેલા BCB ડાયરેક્ટર નઝમુલ ઇસ્લામે ફેસબુક પર પોસ્ટ લખી હતી કે, "આ વખતે બાંગ્લાદેશના લોકોએ પોતાની આંખોથી વધુ એક સાબિત થયેલા ભારતીય એજન્ટનો ઉદય જોયો છે."
 પોતાના વરિષ્ઠ ખેલાડીના અપમાનથી વ્યથિત થયેલા કેપ્ટન નઝમુલ શાંતોએ બોર્ડના અધિકારીને આડે હાથ લીધા છે. શાંતોએ કહ્યું કે, "આ અત્યંત દુઃખદ છે. તમીમ ભાઈ દેશના સૌથી સફળ ખેલાડી છે અને અમે તેમને જોઈને મોટા થયા છીએ. બોર્ડ અમારું વાલી (ગાર્ડિયન) છે અને તેની જવાબદારી અમને સુરક્ષિત કરવાની છે, નહીં કે જાહેરમાં આ રીતે અપમાનિત કરવાની. હું એક ખેલાડી તરીકે આ ટિપ્પણીને સંપૂર્ણપણે ફગાવી દઉં છું."
તમીમ ઇકબાલના ભાઈ નાફીસ ઇકબાલ, સ્ટાર બોલર તસ્કીન અહેમદ, મોમિનુલ હક અને તૈજુલ ઇસ્લામ જેવા ખેલાડીઓએ પણ સોશિયલ મીડિયા પર નઝમુલ ઇસ્લામની આકરી ટીકા કરી છે. 'ક્રિકેટર્સ વેલ્ફેર એસોસિએશન ઓફ બાંગ્લાદેશ' (CWAB) એ BCB અધ્યક્ષને પત્ર લખીને આ ડાયરેક્ટરને હોદ્દા પરથી દૂર કરવા અને જાહેરમાં માફી મંગાવવા માટે માંગ કરી છે. ખેલાડીઓનું કહેવું છે કે જો ૧૬ વર્ષ સુધી દેશની સેવા કરનાર દિગ્ગજને ‘એજન્ટ’ કહેવામાં આવતા હોય, તો સામાન્ય ખેલાડીઓની શું હાલત હશે?
સોશિયલ મીડિયા પર ભારે વિરોધ અને ખેલાડીઓના એકતાના જોરે નઝમુલ ઇસ્લામે પોતાની વિવાદાસ્પદ પોસ્ટ ડિલીટ કરવી પડી છે. જોકે, આ ઘટનાએ બાંગ્લાદેશ ક્રિકેટમાં પડેલી તિરાડને જગજાહેર કરી દીધી છે. ફેબ્રુઆરીમાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા આ પ્રકારનો વિવાદ બાંગ્લાદેશની ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

(8:50 PM IST)